વડાપ્રધાન મોદીનો સૂટ ખરીદનારા ધર્મનંદન ડાયમંડ સાથે ઠગાઈ

સૂરતઃ સૂરતના ડાયમંડ વેપારી ધર્મનંદન ડાયમંડ સાથે રુપિયા 1 કરોડની ઠગાઈ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર હિંમત અને કોશિયા નામના બે ઈસમોએ ધર્મનંદન ડાયમંડ પાસેથી રુપિયા 1 કરોડના 1500 કેરેટ હીરા ખરીદ્યા હતાં. બાદમાં તેનું પેમેન્ટ અને માલ ન આપીને ઠગાઈ આચરવામાં આવી છે. આ મામલે કોશિયા બંધુઓ સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે 2015ના વર્ષમાં મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથેની મુલાકાત દરમિયાન પહેરેલા સૂટની હરાજી કરવામાં આવી હતી. સુરતના ધર્મ નંદન ડાયમંડ ગ્રુપના લાલજીભાઈ પટેલે રૂ. 4.31 કરોડની બોલી લગાવીને આ સૂટની ખરીદી કરી હતી. મોદીના આ સૂટને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. હરાજીમાં સૌથી વધારે ઊંચી બોલવાની કેટેગરીમાં આ સૂટને સ્થાન મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે મોદીના સૂટની હરાજી સમયે પ્રારંભિક કિંમત રૂ. 11 લાખ રાખવામાં આવી હતી. આ સૂટને ખરીદવા માટે 47 જેટલા લોકોએ બોલી લગાવી હતી. જેમાંથી લાલજીભાઈ પટેલે સૌથી વધુ રૂ. 4.31 કરોડની બોલી લગાવી હતી. આ સૂટની હરાજીમાંથી આવેલા નાણા ગંગા સફાઇ માટે વાપરવામાં આવ્યા હતા.