શૈક્ષણિક સત્ર શરુ થાય તે પહેલાં જ સૂરતની એક શાળામાં આગ, સાવધતાથી ટળી…

સૂરતઃ શહેરની શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરુ થતાંની સાથે જ શાળામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સૂરતના ગોપીપુરા વિસ્તારની રાયચંદ દીપચંદ શાળામાં આગ લાગી હતી. પ્રાથમિક તારણ મુજબ શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાની વાત સામે આવી છે.

જો કે આખી ઘટનામાં મહત્વની વાત એ રહી કે આગ વિકરાળ સ્વરુપ ધારણ કરે તે પહેલાં જ શાળાના 76 વર્ષના કર્મચારી શ્રવણભાઈએ ફાયર સેફ્ટીના સાધનો લઈને આગ બૂઝાવી દીધી. શ્રવણ ભાઈની સતર્કતાના કારણે સૂરતમાં વધુ એક મોટી ઘટના ઘટતાં બચી ગઈ હતી.

મહત્વની વાત એ છે કે રાયચંદ દીપચંદ સ્કૂલમાં આજે સવારે બાળકો આવે તે પહેલાં જ આગ લાગી હતી. શાળાની બહાર એક મીટર હતું તેમાં શોર્ટ સર્કિટ થવાને કારણે સ્પાર્ક થયો હતો. જોકે ત્યાં ફાયર સેફ્ટીનાં સાધનો સજ્જ હતાં જેના કારણે મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઇ છે. આ આગ શાળાનાં કર્મચારીએ જ બૂઝાવી દીધી છે.

આ અંગે જ્યારે શ્રવણભાઇ સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, ‘અમે બેઠા હતાં અને મીટર પેટીમાંથી ધુમાડો નીકળતા જોયો અને વાયરની બળવાની દુર્ગંધ આવવા લાગી હતી. તે જોઇને તરત જ ફાયર સેફ્ટીનાં સાધનો હતાં તે ચાલુ કરી દીધાં હતાં.