ફટાકડાં ફો઼ડવા હોય તો જાણી લેજો, પોલિસ કાર્યવાહી ચાલુ છે….

અમદાવાદ- તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને થતી અસરો સંદર્ભે સુપ્રિમ કોર્ટ દ્વારા સ્પષ્ટ સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં દિવાળી તથા અન્ય તહેવારોમાં રાત્રે 8 થી 10 કલાક સુધી તથા ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન રાત્રે 11.55 થી 12.30 કલાક સુધીજ ફટાકડા ફોડી શકાશે.આ બે દિવસમાં ફટાકડાં ફોડવાની ગાઈડલાઈન્સનું પાલન ન કરવા બદલ શહેર પોલિસ દ્વારા કાર્યવાહી કરીને ધરપકડ પણ કરવામાં આવી રહી છે.ગુજરાત રાજ્ય ગૃહ વિભાગની એક યાદીમાં જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટમાં થયેલી પીટીશન સંદર્ભે જે માર્ગદર્શિકાઓ અપાઇ છે તે અનુસાર સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડાં જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે. તેનાં જ ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવી છે. આ સિવાયનાં તમામ પ્રકારના ફટાકડાનાં ઉત્પાદન અને વેચાણ પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ઓનલાઈન ફટાકડાંના વેચાણ પર સુપ્રીમનો પ્રતિબંધ

ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓએ જ કરવાનું રહેશે. આ વેપારીઓએ સુપ્રીમ કોર્ટનાં ૨૩/૧૦/૨૦૧૮નાં આદેશનું ફરજીયાત પાલન કરવાનું રહેશે. ઉપરાંત તમામ ઇ-કોમર્સ વેબસાઇટ પર તમામ પ્રકારના ફટાકડાંના ઓનલાઇન વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મુકાયો છે.

ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ અને ઘન કચરો  પેદા કરતાં બાંધેલા ફટાકડા (Joint firecrackers, Series crackers or Laris) પર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટના હુકમોનું પાલન થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ માટે અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગની અધ્યક્ષતામાં વન અને પર્યાવરણ વિભાગ, શહેરી વિકાસ વિભાગ, તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી. ફટાકડા ફોડવા સંદર્ભે સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ થાય તે માટે ગૃહ વિભાગ દ્વારા જિલ્લા સત્તાવાળાઓને સૂચના આપવામાં આવી છે.