જો આ કંપનીની સ્કીમોમાં નાણાં ગુમાવ્યાં હોય તો મળો આ ડિટેક્ટિવ PIને…

અમદાવાદ-લોભામણી જાહેરાતોમાં મુગ્ધ બનાવી નાણાં ખંખેરી પલાયન થઇ જતી સ્કીમની સ્કેમબાજ કંપનીઓનો તોટો નથી. ત્યારે રોકાણકારો માટે નુકસાની ઉઠાવવા સિવાય આરોવારો રહેતો નથી. એવી એક લેભાગુ સન સાઇન હાઇટેક ગ્રુપ કંપની અને આ ગ્રુપની વિવિધ કંપનીઓની લોભામણી સ્કીમોમાં નાણાં રોકીને આ નાણાં પાકતી મુદતે પરત ન મળતાં છેતરાયેલાં રોકાણકારો માટે આ ખાસ ખબર છે. આર્થિક ગુના નિવારણ શાખાના ડિટેક્ટિવ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ. આર. ગોઢાણીયાનો સંપર્ક કરવા સીઆઇડી ક્રાઇમના નાયબ પોલિસ મહાનિરીક્ષક -ક્રાઈમ-૪ ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

સનસાઇન હાઇટેક ગ્રુપ કંપની તથા આ ગ્રુપની (૧) સન સાઇન હાઇટેક ઇન્ફ્રોકોમ લિમિટેડ, (ર) સન સાઇન હાઇટેક ઇન્સ્યોરન્સ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ, (૩) સન સાઇન હાઇટેક માર્કેટીંગ પ્રા.લી., (૪) ગુરુકૃપા ટ્રસ્ટી કંપની પ્રાઇવેટ લિમિટેડ, (૫) મેગ્ના મેનીયોસ ટેક્ષટાઇલ પ્રાઇવેટ લિમિટેડ, (૬) સન સાઇન ટૂડે, (૭) અરિહંત સોયા પ્રા.લિ. વગેરે કંપનીઓ રમેશચંદ્ર ગણપતભાઈ નાયક ચલાવે છે. આ જુદી જુદી કંપનીઓ મારફતે ગુજરાતમાં જુદા જુદા મૂડીરોકાણની સ્કીમો ચલાવી લોકો પાસે મૂડીરોકાણ કરાવેલ છે તેમજ પાકતી મુદ્દતે નક્કી કરેલ રકમ ચૂકવવામાં આવશે તેવી જાહેરાતો આપી લોકોને લોભામણી લાલચો આપી નાણાં એકઠા કરીને છેતરપિંડી કરતા હોવાની વિગત ધ્યાને આવી છે.

આ કંપનીઓમાં રોકાણ કરીને છેતરાયાં હોય તેવા નાગરિકો રોકાણકારોએ તપાસ અધિકારી આર્થિક ગુના નિવારણ શાખા, સીઆઇડી ક્રાઇમ, સહયોગ સંકુલ, પથિક આશ્રમની બાજુમાં સેક્ટર-૧૧, ગાંધીનગર ખાતે સંપર્ક કરવાનો રહેશે. આ તપાસ અધિકારીનો સંપર્ક નંબર:૯૮૨૫૨ ૭૯૫૦૩ છે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.