આ ઉનાળે તૈયાર રહેજોઃ કાળઝાળ ગરમી પડશે

અમદાવાદ– ગુજરાતમાં ગરમીનો પારો ધીમેધીમે ઊંચકાઈ રહ્યો છે, આગામી 24 કલાક બાદ ગરમીમાં ક્રમશઃ વધારો થશે, એવી હવામાન વિભાગની આગાહી છે. આ વર્ષે ઉનાળામાં કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો. કારણ કે આ વર્ષે ખૂબ ગરમી પડવાની છે.દર વર્ષની જેમ દર વર્ષે ગરમીનો પારો વધુને વધુ ઊંચો જઈ રહ્યો છે. અને આ વર્ષે શિયાળામાં ઠંડીનું પ્રમાણ સામાન્ય જ રહ્યું હતું. જેથી આ વર્ષે ઉનાળામાં ગરમી વધુ પડશે. ગુજરાત પર ઉત્તર પૂર્વીય ગરમ પવનોની અસરથી છેલ્લા બે દિવસથી ગરમી વધી રહી છે. અને હવે પછીના દિવસોમાં ઉત્તરોતર તાપમાન વધશે. દરેક નાગરિકોએ સાવધાન રહેવું અને બહાર નીકળતી વખતે ગરમી બચવા માટે માથે ટોપી ખાસ પહેવી. સફેદ અને કોટનના કપડાં પહેરવા જરૂરી છે.

ગઈકાલે સોમવારે જ સૂરતમાં 37.6 ડિગ્રી, અમદાવાદમાં તાપમાનનો પારો 36 ડિગ્રી, ડીસામાં 36.5 ડિગ્રી, રાજકોટમાં 37.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37 ડિગ્રી, ભૂજમાં 37 ડિગ્રી, મહુવામાં 38.6 ડિગ્રી, અમરેલીમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આમ અમદાવાદ સહિત ગુજરાતના 14 શહેરોનું તાપમાન 36 ડિગ્રી ઉપર રેકોર્ડ થયું હતું.

જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઠંડીનો હજુ એક ચમકારો આવશે. પણ હાલ તો તાપમાનનો પારો દિવસને દિવસે ઊંચો જઈ રહ્યો છે અને લઘુત્તમ તાપમાન પણ ઘટી રહ્યું છે. બપોરે કાળઝાળ ગરમીનો અહેસાસ અનુભવવા મળ્યો હતો. અત્યારે બધાના ઘરમાં કે ઓફિસમાં પંખા અને એસી ધમધમાટ ચાલુ થઈ ગયાં છે.