PM હતાં એ સમારોહમાં પદવી લેવાનો લાભ ગુમાવવો પડ્યો હતો, FSL વિદ્યાર્થીઓ કોર્ટમાં જશે

અમદાવાદઃ એફએસએલ યુનિવર્સિટીમાં ગત 23મી ઓગસ્ટના રોજ યોજાયેલા કોન્વોકેશનમાં કેટલાક વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપી તેમના પરિવાર સાથે તેમની અટકાયત કરી ખોટી રીતે ગોંધી રાખવામાં આવ્યા હોવાનો સીધો આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યો છે. ત્યારે આ વિદ્યાર્થીઓને તેમના વાલીઓની હાજરીમાં પૂરા સન્માન સાથે ડિગ્રી એનાયત કરવા માટે વિદ્યાર્થીઓએ માગ કરી છે. તેમજ જો તે રીતે ડિગ્રી નહીં આપવામાં આવે તો તેઓ આ મામલે આગામી દિવસોમાં હાઇકોર્ટના દ્વાર ખખડાવશે તેવી ચીમકી ઉચ્ચારી છે. એફએસએલ યુનિવર્સિટી સામે હાઇકોર્ટમાં અલગ અલગ પિટિશન કરનાર સાત જેટલા વિદ્યાર્થીઓને કોન્વોકેશન દરમિયાન તેમની ખુદની ડિગ્રી સર્ટિફિકેટ લેવાના સમારોહમાં પણ પ્રવેશ અટકાવવામાં આવ્યો હતો.

ફાઈલ તસવીર

પોલીસ દ્વારા તેમને તથા તેમના પરિવારને ગેરકાયદે અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. જે મામલે કોન્વોકેશનના દિવસે છેલ્લા કલાકોમાં હાઇકોર્ટે આદેશ આપી આ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા આદેશ આપ્યો હતો. જોકે હાઇકોર્ટે આદેશ આપ્યો તે સમયે જ કોન્વોકેશન શરૂ થઇ ગયું હોવાથી તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપી શક્યા ન હતા. દરમિયાન 3 યુવકોએ સંદીપ મુંજ્યાસરા, જયેન્દ્ર રાઠોડ અને પ્રિયાંક પારેખે રજૂઆત કરી છે કે, તેમના પરિવારજનોને પણ ગેરકાયદે ગોંધી રાખી યુનિવર્સિટીએ તેમનું અપમાન કર્યું છે. આવા સંજોગોમાં તેમના પરિવારજનોની હાજરીમાં એક કાર્યક્રમ યોજી તેમના પરિવારની માફી માગી યુનિવર્સિટીએ તેમને સર્ટિફિકેટ આપવા જોઇએ. જો યુનિવર્સિટી તેમની માગ નહીં સ્વીકારે તો તેઓ આ મામલે હાઇકોર્ટના દ્વાર ખખડાવશે.તેમણે કહ્યું કે તેઓ આતંકવાદી ન હતા. એટલું જ નહીં પણ તેમની સામે અશિસ્તનો પણ યુનિવર્સિટીમાં કોઇ ફરિયાદ નહોતી થઇ. તો તેવા સંજોગોમાં તેમની સાથે આવો વ્યવહાર માત્ર હાઇકોર્ટમાં પિટિશન કરવા માત્રથી થયો તે યોગ્ય નથી.