સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે….આટલું નોંધી લો!

અમદાવાદ- વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આજે વડાપ્રધાન મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું, આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીના અન્ય આકર્ષણોને પણ વડાપ્રધાન દ્વારા જાહેર જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યાં.સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે ફુલોના મેઘ ધનુષી રંગોનું નજરાણું

નર્મદા નદીના કિનારે ૧૦૦થી વધુ પ્રકારના રંગબેરંગી ફુલોથી શણગારેલ વેલી ઓફ ફલાવર્સ પ્રવાસીઓ માટેનું મુખ્ય આકર્ષણ બની રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની બન્ને તરફ નર્મદા નદીના કિનારે ૧૭ કી.મી. વિસ્તારને વિવિધ પ્રજાતિના રંગબેરંગી ફુલોથી ખુશનુમા બનાવવાનો આ પ્રોજેક્ટ ફુલોની વૈશ્વિક પ્રજાતિ સાથે આપણા પરંપરાગત ફુલોના સૌંદર્યને પણ રજૂ કરે છે.  વેલી ઑફ ફ્લાવર્સની મુલાકાતે આવનાર પ્રવાસીઓ કુદરત સાથે નૈસર્ગિક તાલમેલ સાધી શકે તથા તેઓનું વન અને વન્યજીવો પ્રત્યે તાદતમ્ય કેળવાય તે ઉમદા હેતુસર નેચરલ ટ્રેઇલ સ્વરૂપે રેવા ટ્રેક, સાધુ ટ્રેક, વૈકુંઠ બાબા ટ્રેક, સરદાર ટ્રેક અને અશ્વત્થામા ટ્રેકનું પણ નિર્માણ કરાયું છે.

સ્ટેચ્યુના નિર્માણમાં સહયોગ આપનારાઓનું કર્યું સન્માન

નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યૂ નિર્માણમાં સહયોગીઓ સહિત રાજ્યના પ્રધાનમંડળ અને સ્ટેચ્યૂ નિર્માણમાં યોગદાન આપનારા મહાનુભાવો સાથે સમૂહ તસવીર ખેંચાવી હતી. અને વડાપ્રધાને સહયોગીઓનું સન્માન કરી તેમના કાર્યને બિરદાવ્યું હતું. વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમાના રેકોર્ડ માટે અથાગ પ્રયત્નો કરનારા આ સહયોગીઓએ પણ તેમની વડાપ્રધાન દ્વારા કરાયેલી કદર બદલ કૃતજ્ઞતા વ્યકત કરી હતી.

નર્મદા કાંઠે આધુનિક ટેન્ટ સિટીનું લોકાર્પણ

નર્મદા મૈયાના કુદરતી સાનિધ્યમાં ૭૦ હજાર ચો.મી. વિસ્તારમાં ર૫૦ ભવ્ય ટેન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટેન્ટ સીટીમાં જરૂરી માળખાકીય સુવિધાઓ, રોડ, વીજળી, પીવાનું પાણી જેવી શ્રેષ્ઠ સગવડો ઉપરાંત સમથળ જમીન ઉપર વિવિધ ભૂમિદ્રશ્યો ઉભા કરવામાં આવ્યા છે.

મોદીએ ટેન્ટ સિટી ખાતે તકતીનું અનાવરણ કરીને પર્યાવરણ અને પર્યટન પ્રેમીઓ માટે ટેન્ટ સિટી ખૂલ્લી મૂકી હતી. વડાપ્રધાને ટેન્ટ સિટી ખાતે સ્થાનિક ગાઇડ ભાઇ-બહેનો સાથે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં વાર્તાલાપ કર્યો હતો. આ ટેન્ટ સિટીને કારણે ઉભી થનારી રોજગારીની તકો પૈકી ૮૫ થી ૯૦ ટકા રોજગારીની તકો સ્થાનિક યુવાઓ માટે નિર્માણ થશે જેનાથી સ્થાનિક લોકોને માત્ર રોજગારી જ મળશે એવું નથી આ વિસ્તારના આર્થિક વિકાસને નવો વેગ મળશે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી સંકુલ ખાતે ખાસ તાલીમ પામેલા ગાઇડની સેવા પણ ઉપલબ્ધ હશે. માત્ર એક મહિનામાં જ સઘન તાલીમ દ્વારા ૮૦ વ્યાવસાયિક ગાઇડને તૈયાર કરવામાં આવ્યા છે. તૈ પૈકી ૬૦ ગાઇડ તો નેશનલ ઇસ્ટીટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી–નીફ્ટ દ્વારા ડિઝાઇન કરી તૈયાર કરાયેલા યુનિફોર્મમાં સજ્જ થઇને ટેન્ટ સીટીમાં ફરજ બજાવશે શ્રેષ્ઠ તાલીમ પામેલા આ ૬૦ ગાઇડમાં ૧૪ મહિલાઓ અને ૪૬ યુવાનો છે. એટલું  નહી ૩૭ યુવાઓ નર્મદા જિલ્લાના અને ૧૪ યુવાઓ છોટા ઉદેપુર જિલ્લાના છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી 1 નવેમ્બરથી નાગરિકો નિહાળી શકશે

સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું સમગ્ર પરિસર ૧લી નવેમ્બર, ર૦૧૮થી નિયમિત રીતે નાગરિકો માટે સવારે ૯.૦૦થી ૭.૦૦ કલાક દરમિયાન ખુલ્લું રહેશે.સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ લેસર શોનું પણ આયોજન કરાયું છે. જે નિયમીત રીતે દરરોજ સાંજે ૬.૦૦ થી ૮.૦૦ દરમિયાન બે લેશર શો યોજાશે. સાથે સાથે અદ્યતન રોશનીને પણ નિહાળવાનો અમૂલ્ય અવસર નાગરિકોને પ્રાપ્ત થશે.

વોલ ઓફ યુનિટીનું અનાવરણ વડાપ્રધાન મોદીએ દેશભરના ૧.૬૯ લાખ ગામોમાંથી એકત્રિત માટીની મહેંકથી બનેલ વોલ ઓફ યુનિટીનું અનાવરણ કર્યું હતું. દેશના ખેડૂતોએ તેમના ખેતીના ઓજારોના લોખંડના ટુકડા અને માટીનું દાન કરી સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સામાજીક સંસ્થાઓ અને સ્વયંસેવકો દ્વારા દેશના ૧.૬૯ લાખ ગામોમાંથી એકત્રિત કરેલ જુદા જુદા આકાર, રંગ, મહેંક, કદ અને ઘટક ધરાવતી માટીમાંથી વોલ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. માટીથી બનેલી આ વોલ ઓફ યુનિટીએ ખેડૂતો દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં આપેલા પ્રદાનનું પ્રતિક છે.

દેશભરના ૩૧ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો

દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા સાંસ્કૃતિક કલા મંડળોએ વિવિધતામાં એકતા સમા સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન સહિતના મહાનુભાવોનું પોલીસ બ્યુગલર્સ દ્વારા વેલકમ બેન્ડથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

કલાકારો દ્વારા રંગારંગ કાર્યક્રમની સાથે-સાથે આર્મ ફોર્સિસ, પેરા મીલીટરી ફોર્સિસ અને રાજ્ય પોલીસ દ્વારા વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમો યોજાયા હતા. ભારતની આંતરિક અને સરહદીય સુરક્ષા જેના ખભા પર છે તેવા ગુજરાત પોલીસ દળ, એસ.આર.પી.એફ, સી.આર.પી.એફ, આર્મી, નેવી અને એર ફોર્સના ૭ Ceremonial Bands દ્વારા સાંગીતિક પ્રસ્તુતિ કરાઇ હતી.

ટેકનોલોજીયુક્ત દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શનને ખુલ્લું મૂક્યું

સરદાર સાહેબના જીવન કવનને આવરી લેતા ટેકનોલોજીયુક્ત દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. સરદાર સાહેબના એકતા અખંડિતતાના મંત્રને સુદ્રઢ બનાવવા તથા સરદાર સાહેબના જીવન કવનને લોકો જાણી અને માણી શકે તે માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિમાની પીઠીકામાં ૪,૬૪૭ ચો.મી. વિસ્તારમાં અદ્યતન ટેકનોલોજીયુક્ત દ્રશ્ય શ્રાવ્ય પ્રદર્શનનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાં એક વીડિયો વોલ ઊભી કરાઈ છે આ વીડિયોવોલ ઉપર સરદાર સાહેબની વિરાટતમ પ્રતિમાના નિર્માણની સમગ્ર પ્રક્રિયાનું નિદર્શન દર્શાવશે. જેમાંથી સહેલાણીઓને સમગ્ર માહિતી મળી રહેશે.

૧૫૨ મીટરની ઊંચાઈએ આવેલી છે વિઝિટર્સ ગેલેરી

વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની અંદર ૧૫૨ મીટરની ઊંચાઈએ આવેલ મુલાકાતી ગેલેરીમાં જઈ સરદાર બંધનો ભવ્ય નજારાને માણ્યો હતો. સરદાર પટેલની પ્રતિમાની હૃદયના સ્થાને આ ગેલરી આવેલી છે. આ ગેલરી માંથી સરદાર સરોવર ડેમ સહિત વિધ્યાચલ પર્વતીય વિસ્તાર અને આસપાસનો કુદરતી સુંદર નજારો માણી શકાય છે. કેવડીયા ખાતેની આ પ્રતિમાનું આ જોવાલાયક નજરાણું છે.

શિલ્પકાર રામ સુથારના નેતૃત્વમાં પૂર્ણ થયુ આ ભગીરથ કાર્ય૯૦ વર્ષની જૈફ વયે પહોંચેલા દેશના ગણમાન્ય શિલ્પકાર પદ્મશ્રી રામ સુથારના નેતૃત્વમાં રોજ અઢી હજાર કામદારોના-ઇજનેરોના કર્મયજ્ઞથી આ ભગીરથ કાર્ય પૂર્ણ થયું છે. મનમાં મીશનની ભાવના, રાષ્ટ્રીય એકતા, સમર્પણ અને ભારત ભક્તિના બળ  વિના શક્ય નથી. તેમણે આ કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા સૌનો આભાર પણ માન્યો હતો અને જણાવ્યું હતું કે, નિર્માણ કાર્યમાં જોડાયેલા સૌ ઇતિહાસનો મહત્વપૂર્ણ હિસ્સો બની રહ્યા છે.

વિજયભાઇ રૂપાણીએ લોખંડ એકત્રિકરણ અભિયાન દરમિયાન ઝારખંડના ખેડૂત દ્વારા સૌપ્રથમ આપવામાં આવેલ ખેતઓજાર (હથોડો) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્પણ કર્યો હતો. જ્યારે નાયબ નીતિન પટેલે અમદાવાદના નિકોલથી લોખંડ એકત્રિકરણ અભિયાન દરમિયાન જે ધ્વજથી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તે ધ્વજ વડાપ્રધાનને અર્પણ કર્યો હતો.

ઝારખંડના ખેડૂતે સૌપ્રથમ આપેલ ખેતઓજાર (હથોડો) અને લોખંડ એકત્રિકરણ અભિયાનનો ધ્વજ સરદાર મ્યુઝિયમમાં મૂકાશે