રોડ સેફ્ટી ઓથોરિટીની પ્રથમ બેઠક, ગત વર્ષે 12.7 ટકા અકસ્માત ઘટાડો નોંધાયો

ગાંધીનગર– ગુજરાતના વાહન વ્યવહારપ્રધાન આર.સી. ફળદુના અધ્યક્ષસ્થાને યોજાયેલી ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી કાઉન્સિલ અને ગુજરાત રાજ્ય રોડ સેફ્ટી ઓથોરિટીની પહેલી બેઠક મળી હતી.ગત વિધાનસભા સત્રમાં આ ઓથોરિટીની રચના માટે કાયદો પસાર કરવામાં આવ્યો હતો. રોડ સેફ્ટી ક્ષેત્રે જવાબદાર તમામ સરકારી વિભાગો એન.જી.ઓ., સ્વૈચ્છિક વ્યક્તિઓ/સંસ્થાઓ, કોર્પોરેટ સેકટરના અસરકારક સંકલન માટે અને રોડ સેફટી માટે અસરકારક દિશાનિર્દેશ આપી શકાય. તેના માટે ગુજરાત રાજય રોડ સેફટી ઓથોરીટીની રચના કરવામાં આવી છે.

આ બેઠકમાં ગુજરાત રાજયમાં છેલ્લાં ત્રણ વર્ષમાં માર્ગ અકસ્માતો ઘટતા રહ્યાં છે તેની નોંધ લેતાં જણાવાયું હતું કે, વર્ષ-૨૦૧૬ની સરખામણીએ વર્ષ-૨૦૧૭માં માર્ગ અકસ્માતોમાં ૧૨.૭ ટકા ઘટાડો થયેલો છે. ફળદુએ જણાવ્યું હતું કે અકસ્માતોમાં ઘટાડો થયો તે સારી વાત છે પરંતુ તે અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નથી. તમામ અધિકારીઓને આહવાન કરી રોડ સેફટી માટે આયોજનબદ્ધ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.

બેઠકમાં CCTV કેમેરા, રિફલેકટર, ખાનગી ટ્રાવેલ કંપનીઓની આધુનિક બસોની હેડલાઈટમાં રહેલી લાઈટોથી અંજાઈ જવાને કારણે બનતાં અકસ્માતો, અંધારામાં વાહનનો પાછળનો ભાગ દેખાય તે માટે રિફલેકટર, રેડિયમ સ્ટ્રીપ લગાડવા બાબતે, ઓવર સ્પીડીંગ અટકાવવા બાબતે, પાર્કિંગ પોલિસી બાબતે, રોડ પરના બ્લેક સ્પોટ નિવારણ બાબતે, ટ્રોમા સેન્ટર, એક્પ્રેસ-વે પર ૧૦૮ સેવાના બોર્ડ લગાવવા માટે, સ્પીડ બ્રેકર બાબતે, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને રોડ સેફટી સાથે વધુમાં વધુ સાંકળવા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. રાજયકક્ષાના પ્રધાન ઈશ્વર પટેલે માર્ગ સલામતી તેમજ લેન ડ્રાઈવિંગ પર ભાર મૂક્યો હતો.