ગુજરાતનું મૌનસિનરમઃ ધરમપુરની બે નદીઓને ફરી હરીભરી કરવા કામ શરુ

ધરમપુર- પાણીની રાજ્યવ્યાપી સમસ્યાના કાયમી ઉકેલ માટે પાણીનું સ્તર ઉંચુ લાવવા તેમજ પાણીની અછત અટકાવવાના હેતુથી નદીઓના પુર્નજીવિત કરવાના કામો હાથ ધરાયા છે તેમાં ધરમપુર તાલુકાની પાનવા ગામમાંથી પસાર થતી લાવરી નદી અને આંબાતલાટ ગામની તાન નદીની ઉપનદી ખોરીચીમાળી નદીને પુર્નજીવિત કરવાનું કામ શરુ કરાયું છે.જળ અભિયાન હેઠળ લાવરી નદીના ૬ કિ.મી.ના અંતરમાં ભૂમિ, ભેજ અને જળ સંરક્ષણના કુલ ૩૮ કામો અંદાજે રૂા.૬૫.૬૦ લાખના ખર્ચે કરાશે જેમાં કુલ ૨૫,૬૮૯ માનવદિન ઉત્પન્ન થશે. જ્યારે ખોરીચીમાળી નદીનાં ૭.૨૧ કિ.મી.ના અંતરમાં રૂા.૧૦૫.૫૮ લાખના ખર્ચે કુલ ૧૩૩ કામો કરાશે જેમાં ૩૫,૦૪૯ માનવદિન ઉત્પન્ન થશે.

ગુજરાતના મૌનસિનરમ તરીકે ઓળખાતો વલસાડ જિલ્લાનો ધરમપુર તાલુકો ખૂબ જ મોટો ભૌગોલિક વ્યાપ ધરાવે છે. ચોમાસા દરમિયાન સરેરાશ ૨૦૦૦ મિ.મિ.કરતાં વધુ વરસાદ પડે છે પરંતુ આ વિસ્તાર ઘણોજ અંતરિયાળ, દુર્ગમ, ડુંગરાળ હોવાથી ચોમાસુ સારૂ હોવા છતાં વરસાદનું પાણી સીધુ દરિયામાં વહી જાય છે, તો વધુ વરસાદને કારણે જમીનનું ધોવાણ થવાથી જમીનની ફળદ્રુપતા ઘટવાથી પાક ઉત્પાદન પર અસર થાય છે જેના કારણે વર્ષ દરમિયાન એક જ વાર ખેતી થવાથી લોકોના સ્થળાંતરના પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે.

આ વિસ્તારમાં પીવાનું પાણી હેન્ડપંપ, કૂવા દ્વારા ઉપલબ્ધ થાય છે. જો કે ફેબ્રુઆરીથી જુન સુધીમાં વોટર ટેબલ ૧૦ થી ૧૨ મીટર જેટલું નીચે જાય છે અને પીવાના પાણીની તીવ્ર અછત સર્જાય છે. ચોમાસા દરમિયાન સરફેસ વોટર દ્વારા પાણીનો સંગ્રહ થતાં પાણીનું તળ ૬ થી ૮ મીટર જેટલું ઉંચુ આવે છે. આ વિસ્તારમાં મુખ્યત્વે ડાંગર, નાગલી, કઠોળ વર્ગનાં પાકો લેવામાં આવે છે. જેની ખેતી સંપૂર્ણપણે વરસાદ આધારિત કરવામાં આવે છે.

વલસાડ જિલ્લામાં  હાલમાં કુલ ૧૫૪ કામો ચાલુ છે અને  કુલ ૭૯૯૩ શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે. કામો પૂર્ણ થતાં કુદરતી સંસાધનોનું વ્યવસ્થાપન કરી પાણીનું સ્તર ઉંચુ લાવી, પાણીની તંગીની સમસ્યામાં ઘટાડો, પાણીના પ્રવાહના વેગમાં ઘટાડો અને માટીના ધોવાણ અટકાવવું, પારંપરિક ખેતી પદ્ધતિમાં સુધારો થતાં સ્થળાંતર અટકશે. આ નવીન કામો થકી અંદાજે ૧,૬૫,૦૦૦ ઘ.મી. જળનું સંગ્રહ થશે અને અંદાજે ૪૪,૬૬૫ હજાર ઘ.મી. ભૂગર્ભ જળનું રિચાર્જ થશે.

આ કામગીરીમાં ગ્રામજનો સાથ સહકાર આપીને મોટી સંખ્યામાં જોડાઇ રહ્યા છે. ભીંતચિત્રો, જલ પરિક્રમા, પોસ્ટર, ફિલ્પચાર્ટ, ભવાઇ-નાટક દ્વારા લોકોમાં જળ અંગે જાગૃતિ લાવવા માટે પ્રચાર-પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે