ગાંધીનગરમાં ફૂડ રીસર્ચ લેબોરેટરીનો પ્રારંભ

ગાંધીનગર- ખાદ્યાન્ન-અનાજ સામગ્રીમાં હલકી ગુણવતા ચલાવી લેવાશે નહીં તેમ જ ફૂડ રીસર્ચ લેબોરેટરીમાં ચકાસણી કરી શુદ્ધ ગુણવત્તાયુકત અનાજ પુરવઠો પૂરો પાડવા પ્રતિબદ્ધતા દર્શાવવા સાથે સીએમ રુપાણીએ ફૂડ રીસર્ચ લેબોરેટરીનું ઉદઘાટન કર્યું હતું.  આ લેબોરેટરી દ્વારા સસ્તા અનાજની દુકાનોના ૩.૮૪ કરોડ લાભાર્થીઓ-મધ્યાહ્ન ભોજન યોજનાના ૩૯ લાખ બાળકો-આંગણવાડીના ૬પ લાખ બાળકોને કવોલિટી ફૂડ ગ્રેઇન મળશે.

જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે વિતરીત થતા અનાજ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા-કવોલિટી ઉચ્ચકક્ષાની મળી રહે તેવી વ્યવસ્થા માટે ગાંધીનગરમાં રૂ.૧ કરોડના ખર્ચે  આ લેબ બનાવવામાં આવી છે.

રાજ્યમાં ૧૭ હજાર ઉપરાંત વાજબી ભાવની સસ્તા અનાજની દુકાનો પરથી રાહત દરે ખાદ્યાન્ન, તેલ, કઠોળ મેળવતા ૩.૮૪ કરોડ લાભાર્થીઓ તેમજ ૩૩ હજાર મધ્યાન્હ ભોજન કેન્દ્રોના ૩૯ લાખ બાળકો અને પ૩ હજાર આંગણવાડીના ૬પ લાખ બાળકોને ગુણવત્તાયુક્ત ખોરાકમાં ફૂડ રીસર્ચ લેબોરેટરીમાં ટેસ્ટ થયેલ પ્રમાણિત પુરવઠો આપવામાં આવશે.

ગુજરાત નાગરિક પુરવઠા નિગમ દ્વારા ડાયરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ સાથે મળીને આ સ્ટેટ ઓફ ધ આર્ટ ફૂડ રીસર્ચ લેબોરેટરી શરૂ કરવા માટેના ૧૦ વર્ષના MoU થયા છે.