ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાઃ મહંત દિલીપદાસજી મહારાજની વિડિયો મુલાકાત

અમદાવાદઃ રથયાત્રા એટલે અમદાવાદમાં ઉજવાતો અલૌકિક ઉત્સવ. રથયાત્રા એટલે આનંદ, ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ. ભક્તના આંગણે જ્યારે જગતનો નાથ પધારવાનો હોય ત્યારે સ્વાભાવીક રીતે ભક્તો અધીરા બની જતા હોય,જગતના નાથના દર્શન કરવા માટે. અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાને લઈને માહોલ જામી ગયો છે, હૈયેહૈયું દળાઈ રહ્યું છે અને આખા નગરમાં જય જગન્નાથ-જય જગન્નાથનો નાદ ગુંજી રહ્યો છે. બસ ભક્તો રાહ જોઈને બેઠાં છે કે ક્યારે જગતનો નાથ અમારા આંગણે આવે અને અમે મનભરીને તેના દર્શન કરીએ અને આવકારો આપીએ જગતના નાથને. ત્યારે રથયાત્રાના પર્વને લઈને chitralekha.com સાથે અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે વિશેષ ચર્ચા કરી હતી.

ભગવાન જગન્નાથની રથયાત્રાના ઈતિહાસ વિશે વાત કરતા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું કે 140 વર્ષ પહેલા જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજી મહારાજે ઈ.સ. 1878ની અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરમાં દેશભરમાંથી પધારેલા મહામંડલેશ્વરો, સાધુ અને સંતોનો ભંડારો યોજાય છે. અમદાવાદ જગન્નાથ મંદિર દ્વારા આ વર્ષે મોટી સંખ્યામાં દેશભરના મહામંડલેશ્વરો અને સાધુ-સંતોને આમંત્રણ આપવામાં આવ્યું છે જેઓ ભંડારામાં પધારશે. ભંડારો એ વર્ષોથી ચાલતી આવતી એક પરંપરા છે અને તેના પ્રસાદનું પણ વિશેષ મહાત્મ્ય છે. રથયાત્રાને લઈને મંદિર દ્વારા કેટલીક વિશેષ વ્યવસ્થાઓ પણ આ વર્ષે કરવામાં આવી છે. જેમાં દર્શનાર્થીઓને ભગવાનના દર્શનનો લ્હાવો ચોક્કસપણે મળી રહે અને ક્યાંય અવ્યવસ્થા ન સર્જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે જ ભક્તોને આપવામાં આવતા હરીના પ્રસાદને લઈને પણ અમદાવાદ જગન્નાથ મંદિર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.