વડોદરામાં વૈશ્વિક સૂરસંગમ, બે વિદેશી વાદકો અને આપણો ધવલ મિસ્ત્રી, થયું મોટું કામ

અમદાવાદઃ સંગીત અનુભૂતિની વસ્તુ છે તેને કોઈ ભાષાના બંધનો ક્યારેય નડતાં નથી. સાઝ હોય કે સૂર આ બંને ક્યારેય ભાષા પર નિર્ભર નથી હોતાં. ઈતિહાસ સાક્ષી પૂરે છે કે સંગીતે હંમેશા લોકોને જોડવાનું કામ કર્યું છે. આપણાં વડોદરામાં આવી સુંદર ઘટના સર્જાઈ છે.. વાત એ છે કે ચીલીના વાંસળી વાદક અને ગિટારીસ્ટ ભારતના પ્રાચીન સંગીતની વીડિયો ડોક્યુમેન્ટરી બનાવવા અત્યારે ભારતના પ્રવાસે આવ્યા છે. વાંસળી વાદક તોમાસ અને ગિટારીસ્ટ મોઆ ભારતભ્રમણ કરતાંકરતાં વડોદરામાં પહોંચ્યા હતાં. વડોદરામાં સંગીત સાથે જોડાયેલા મિસ્ત્રી પરિવારના યુવા પખાવજવાદક ધવલ મિસ્ત્રીને મળ્યાં અને તેમના સંગીતનું ડોક્યુમેન્ટેશન કર્યુ હતું.

ધવલ મિસ્ત્રી પ્રાચીન વાદ્ય પખાવજના વાદક છે, તેમણે જણાવ્યું, “આ બંને સંગીતકારો ભોપાલમાં ધ્રુપદ સંગીતનું ડોક્યુમેન્ટેશન કરવા માટે ગયાં હતાં ત્યાંથી વડોદરા આવ્યાં. વડોદરામાં તેમણે મારી સાથે કેટલાક દિવસો વીતાવ્યાં, બાદમાં અમે જામનગર ગયાં હતાં. જામનગરમાં તેમણે  વલ્લભબાવાના હવેલી સંગીતની ડોક્યુમેન્ટરી શૂટ કરી હતી. જામનગરમાં તેમની એક કોન્સર્ટ પણ યોજાઈ હતી. બંને સંગીતકારોની ભારતીય સંગીત માટેની સમજ અને આદર વખાણવાલાયક છે. ”

ચીલીના સંગીતકાર તોમાસ વેસ્ટર્ન ક્લાસિકલ વાસળીના વાદક છે. તેમની પાસે વિશ્વના જુદા જુદા દેશોની વાંસળીઓનો સંગ્રહ છે. દેશના વિશ્વવિખ્યાત વાંસળી વાદક પં.હરિપ્રસાદ ચૌરસિયા સાથે મળી અને તામોસે સંગીત સંધ્યા પણ યોજી હતી. તામોસે પં.ચૌરસિયાના મુંબઈ સ્થિત ગુરુકૂળમાં રહી ભારતીય વાંસળી વાદન અને પશ્ચિમી વાંસળી વાદનનું આદાનપ્રદાન કર્યું હતું.

તામોસે જણાવ્યું, “અમે વિશ્વના લુપ્ત થતાં જતા અને પ્રાચીન સંગીતનું ડોક્યુમેન્ટેશન કરી રહ્યાં છે. સંગીત મારા માટે ધ્યાન જેવું છે. જેવી રીતે ભારતમાં બોલિવૂડનું સંગીત પ્રખ્યાત છે તેવી જ રીતે અમારા દેશમાં પણ કોમર્શિયલ સંગીત પ્રખ્યાત છે જોકે, મને તેમાં વ્યક્તિગત રીતે રૂચિ નથી. હું વિશ્વના અનેક દેશોમાં ભમ્યો છું અને જુદા જુદા દેશોની વાંસળીઓ એકઠી કરી તેનું વાદન કરૂં છું.” બંને સંગીતકારોએ ખર્ચ ઉપાડવા માટે ભારત સહિત વિશ્વમાં અનેક કાર્યક્રમો કર્યા છે. તેઓ સંગીતના કાર્યક્રમોમાં ભાગ લઈ પોતાનો ખર્ચ કાઢે છે પરંતું એક તબક્કે તેમણે લાખોની કિંમત ધરાવતું વાયોલીન અને ગિટાર વેચી નાખ્યાં હતાં જેથી તેમનું નિર્વહન થઈ શકે.

તોમાંસે જણાવ્યું કે આ ડોક્યુમેન્ટરી માટે તેઓ ભારતના 15 જેટલા કલાકારોનો સંપર્ક કરી ચૂક્યાં છે. જેમાં તેમને સૂરબદાર, રૂદ્ર વીણા, વિચિત્ર વીણા ખૂબ જ પ્રભાવિત કરી ગઈ હતી. તેમની પાસે એક વિશિષ્ઠ વાંસળી પણ હતી જે તેમણે પં.હરિપ્રસાદ ચૌરસિયાને ભેટમાં આપી હતી.

ભારતમાં વાંસમાંથી બનેલી વાંસળી પ્રચલિત છે. સમય જતાં તેમાં ધાતુની ફ્લૂટ પ્રખ્યાત થઈ હતી. વિશ્વના અનેક દેશોમાં જુદી જુદી ધાતુની બનેલી ફ્લૂટનું વાદન થાય છે. તામોસે જણાવ્યું કે તેમની પાસે સાઉથ અમેરિકાની ઓકારીના નામની એક ફ્લૂટ છે જે ભારતીય વાંસળીની સમકક્ષ છે. સાઉથ અમેરિકા, અમેરિકા, યુરોપ, જાપાન, આફ્રિકાના અનેક દેશોમાં જુદા જુદા પ્રકારની ફ્લૂટ સંગીતકારો વાપરે છે.