સોમનાથદાદા દેશવિદેશમાં સોશિઅલ મીડિયા દ્વારા છવાઈ ગયાં…

સોમનાથ-પ્રથમ જ્યોતિર્લિંગ એવી સોમનાથ મહાદેવના દર્શન કરવા એક લ્હાવો છે. ત્યારે દેશ વિદેશમાં વસતા ભક્તો સોમનાથદાદાની આરતી સહિતના કાર્યક્રમો સોશિઅલ મીડિયા દ્વારા લાઈવ નિહાળી રહ્યાં છે. સોમનાથ મહાદેવના દર્શનનો સોશિયલ મીડિયાપ્રવાહમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. વર્ષ 2018 દરમિયાન ફેસબૂક પર 9.98 કરોડ અને ટ્વિટર પર 85 લાખ દેશવિદેશના ભક્તો દાદાના દર્શન કરી ધન્ય બન્યાં.

પ્રચાર અને પ્રસારને પ્રોત્સાહન આપવાના હેતુથી વર્ષ 2015થી સોશિઅલ મીડિયાના માધ્યમથી સોમનાથ મહાદેવની આરતી,દર્શન, તેમજ મહોત્સવો ઓનલાઈન અપલોડ કરવાની શરૂઆત કરવામાં આવી હતી.

તબક્કાવાર આ કાર્યને દેશવિદેશમાં વસતા શિવભક્તોને એક અનોખો સહયોગ પ્રાપ્ત થયો છે. આ સંખ્યામાં ઉત્તરોતર નોંધપાત્ર વધારો થતો જઈ રહ્યો છે. શ્રાવણ માસમાં શરુ કરેલી સોશિયલ મીડિયા દર્શન સેવા હવે કરોડ પર પહોંચી છે. ફેસબુક પર વર્ષ-2018માં 9.98 કરોડ ભક્તોએ વર્ષ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શન, લાઈવ ઈવેન્ટ, આરતી, મહોત્સવ વગેરે નિહાળી સોશિઅલ મીડિયાના માધ્યમથી સોમનાથ સાથે જોડાણ સ્થાપિત કર્યું છે. વૈશ્વિકસ્તરે ખૂબ પ્રચલિત સોશિઅલ મીડિયા માધ્યમ એવા ટ્વિટર પર  વર્ષ 2018માં 85 લાખ જેટલા ભક્તોએ દર્શન આરતીનો લાભ લીધો હતો.

સોશિઅલ મીડિયા દર્શકોમાં ભારત સહિત અમેરિકા, નેપાળ, આરબ અમીરાત, કેનેડા, કુવેત, સાઉદ અરેબિયા, કેન્યા, ઓમાન, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, ફિલિપાઈન્સ, હોંગકોંગ, રશીયા, ચાઈના, ભૂટાન, ફ્રાન્સ, જાપાન, ઈન્ડોનેશિયા સહિતના 46 દેશોનો સમાવેશ થાય છે.

મહત્વનું છે કે, વર્ષ 2019 દરમિયાન પણ ઉજવવામાં આવનાર મહોત્સવો પણ સોમનાથના સોશિઅલ મીડિયામાં લાઈવ થતાં રહેશે. ભક્તો સોશિયલ મીડિયા દ્વારા તીર્થધામ સાથે જોડાઈ તે પ્રકારની કામગીરી સોમનાથ ટ્ર્સ્ટ દ્વારા હાથ ધરવામાં આવશે.