કચ્છમાં ખેલાયું લોહિયાળ ધીંગાણું, છ યુવાનોના મોત, પોલિસ કાફલો ખડકાયો

મુન્દ્રા- કચ્છ જિલ્લાના છસરા ગામમાં ગતરાત્રે અચાનક લોહિયાળ જંગ બે જૂથ વચ્ચે ખેલાઈ ગયો હતો જેને પગલે જિલ્લા પોલિસનો કાફલો સ્થળ પર ધસી ગયો છે. રાત્રિના કોઇ કારણસર બે જૂથ વચ્ચે ઘાતક હથિયારો સાથેની અથડામણમાં છ વ્યક્તિના મોત નીપજ્યાંં છે. આ બંને જૂથ વચ્ચે થોડા સમય પહેલાં પણ અથડામણ થઈ હોવાનું બહાર આવ્યું છે.અથડામણમાં માર્યાં ગયેલાઓમાં એક જૂથના 4 વ્યક્તિ જ્યારે અન્ય જૂથના 2 વ્યક્તિનાં મોત થયાં હતાં. જ્યારે 3 લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી. બહાર આવતી માહિતી પ્રમાણે જૂની અદાવતનું મનદુઃખ રાખીને બે જૂથના યુવકો હથિયારો સાથે સામેસામે આવી ગયા હતાં અને તલવાર, ભાલા સહિતના ધીંગાણામાં  છાસરાના મહિલા સરપંચના સસરા અને તેના પુત્રનું મોત થયું હતં. જ્યારે સામેપક્ષે ચાર જેટલા પિતરાઈ ભાઈઓના મોત થયાં હતાં. તેમ જ અન્ય ઘાયલોને સારવાર માટે ખસેડાયાં છે. આ કેસમાં શા કારણે આવો હત્યાકાંડ સર્જાયો તેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.

સમગ્ર મામલે પોલિસે કાર્યવાહી હાથ ધરતાં પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે કાફલો ખડકી દીધો છે. એસઆરપીની એક ટુકડી પણ તહેનાત કરવામાં આવી છે. મુન્દ્રા પીઆઈએ આ મામલે માહિતી આપી હતી કે “જૂથ અથડામણનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. છ લોકોની સ્થળ પર જ હત્યા થઈ ગઈ છે. જેમાં એક જૂથના ચાર અને બીજા જૂથનાં બે લોકોનો સમાવેશ થાય છે. ગામનાં સરપંચ પરિવાર અને અન્ય લોકો વચ્ચે આ અથડામણ સર્જાઈ હતી. પોલિસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.