લોકસભા ચૂંટણી પહેલા શંકર ‘સિંહ’ની ગર્જના: ભાજપ કાવતરાખોર પાર્ટી

ગાંધીનગર– લોકસભાની આગામી વર્ષે યોજાનાર ચૂંટણીને લઈને ગુજરાતના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ ગાંધીનગરમાં સ્નેહમિલન કાર્યક્રમ કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું.  શંકરસિંહે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતાં. શંકરસિંહે ભાજપને કાવતરાખોર પાર્ટી ગણાવતા કહ્યું કે, ભાજપ પાસે સાડા ચાર વર્ષનો હિસાબ આપવા માટે કાંઈ નથી. ગુજરાતમાં ખેડૂતોના આપઘાત પહેલા થતાં ન હતાં. પણ હવે આ  સરકારમાં ગુજરાતનો તાત આપઘાત કરી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પાંચ ખેડૂતોએ આપઘાત કર્યો છે.

શંકરસિંહે હાર્દિક પટેલનો પક્ષ લેતા કહ્યું હતું કે અનામત માટે લડી રહેલા પાટીદાર છોકરાને કોઈ મકાન ભાડે આપતું નથી. ભાડે આપતા લોકોને ડરાવવામાં આવે છે. તેને સભા કરવા મંજુરી આપવામાં આવતી નથી. આ તો કેવી લોકશાહી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સરકારમાં સીબીઆઈ અને આરબીઆઈ જેવી સંસ્થાઓને પણ સરખી રીતે કામ કરવા દેવામાં આવતું નથી. આરબીઆઈને તેની રીતે કામ કરવા દો. તેની પાસેથી કેમ પૈસા માંગવામાં આવે છે. આમ જ થશે તો દેશ ખતમ થઈ જશે. પાપ છુપાવવા માટે સીબીઆઈનો સહારો લેવામાં આવી રહ્યો છે. સીબીઆઈનું પાપ પ્રધાનમંત્રીના કાર્યાલય સુધી આવ્યું છે. તેમની સુચનાથી બધા ધંધા થાય છે. પહેલા અહીં થતું હતું, હવે ત્યાં થાય છે.સરદાર પટેલની પ્રતિમા વિશે બોલતા શંકરસિંહે કહ્યું હતું કે તમે સરદાર સાહેબની પ્રતિમા, મહાત્મા મંદિર પર આઠ દશ હજાર કરોડ રુપિયા ખર્ચો છો. તે બિન ઉત્પાતક છે. રજવાડાઓએ પોતાના રજવાડા સામેથી અર્પણ કર્યા હતા. તેમને સરદાર સાહેબને બાજુમાં સ્થાન આપવું જોઈએ. જેથી આવનાર પેઢીઓ પણ યાદ કરે કે રજવાડાએ આવા દાન કર્યા હતા.

ગુજરાત વિશે વાત કરતા કહ્યું હતું કે કેવું સરસ મજાનું વિકસિત રાજ્ય છે. આ રાજ્યના માણસને સરકારની જરુર જ નથી. સુખી માણસો છે. સરકાર હોય તો પણ શું અને ના હોય તો પણ શું. પણ 2000થી દશા બેઠી છે. લગભગ અઢી લાખ કરોડ રુપિયા દેવું છે.