રાજ્યમાં 13 થી 15 જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ

0
675

ગાંધીનગર- રાજ્યમાં આગામી ૧૩ અને ૧૪ જૂને ગ્રામીણ ક્ષેત્ર અને ૧૫ જૂને શહેરી ક્ષેત્રમાં યોજાનારા શાળા પ્રવેશોત્સવ સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ, સચીવો અને શિક્ષણ કર્મયોગીઓની બેઠક મળી હતી.

વિજય રૂપાણીએ આ પ્રવેશોત્સવ સરકારી શાળાઓમાં બાળકોના માત્ર પ્રવેશનો સરકારી કાર્યક્રમ ન બની રહેતાં, સરકારી શાળાઓની શ્રેષ્ઠતા આવનારા દિવસોમાં પૂરવાર કરવાનો શિક્ષણ સેવાયજ્ઞ બને તેવું આહવાન અધિકારીઓને કર્યુ હતું.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શાળા પ્રવેશોત્સવને રાજ્ય સરકારના બધા જ વિભાગો-સમગ્ર ગુજરાતનો મહત્વપૂર્ણ કાર્યક્રમ ગણાવતાં જણાવ્યું છે કે, ગુજરાતે હવે સમગ્ર વિશ્વ સાથે હરિફાઇ સ્પર્ધા કરવાની ક્ષમતા-સ્ટેજ કેળવ્યાં છે ત્યારે ભાવિ પેઢીને શિક્ષણ-ગુણવત્તાયુકત શિક્ષણથી સજ્જ કરવા આ પ્રવેશોત્સવથી ફોકસ કરવું છે.

તેમણે કહ્યું કે, ખાનગી-સરકારી શાળાઓની ચર્ચા-તુલના થાય છે પરંતુ વાસ્તવમાં સરકારી શાળાઓ આધુનિક સુવિધાઓ, પુસ્તકો, લાયબ્રેરી, વર્ચ્યુઅલ કલાસરૂમ જેવી વ્યવસ્થાઓથી સજ્જ છે જ. સરકારી શાળામાં ગરીબ, મઝદૂર, શ્રમજીવી વર્ગના બાળકો અભ્યાસ માટે આવતા હોય ત્યારે એમનો પરફોમન્સ રેકોર્ડ-ગ્રાફ ઊંચે લઇ જઇ તેમને પણ શ્રેષ્ઠ શિક્ષણ આપવાની આપણી સવિશેષ જવાબદારી છે તેવો અનુરોધ કર્યો હતો.

રાજ્યમાં ર૦રર સુધીમાં બધા જ વર્ગખંડો વર્ચ્યુઅલ કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્ંયા છીએ. ઇન્ફ્રાસ્ટ્રકચર વૃદ્ધિ સાથે રપ હજાર કરોડનું બજેટ શિક્ષણ માટે સરકારે ફાળવ્યું છે ત્યારે શાળા પ્રવેશત્સવ-ગુણોત્સવ જેવી પ્રવૃત્તિઓ સતત પ્રક્રિયારૂપે નિરંતર ચાલે તે પણ જરૂરી છે.

મુખ્યપ્રધાને શિક્ષણને પ્રાયોરિટી-પ્રાથમિકતા આપીને તક્ષશીલા-નાલંદા જેવી પ્રાચીન જ્ઞાન વિદ્યાપીઠ સમકક્ષ બનાવવાની સ્થિતી તેમજ સરકારી શાળાઓમાં પ્રવેશ માટે લોકોને આકર્ષણ થાય તેવી સ્થિતિ નિર્માણ કરવા પ્રેરણા આપી હતી.

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવના પ્રારંભિક તબક્કાઓમાં ૧૦૦ ટકા નામાંકન અને ડ્રોપઆઉટ રેશીયામાં નોંધપાત્ર ઘટાડો કરવા થયેલા પ્રયાસોને આજે સફળતા મળી છે ત્યારે હવે શાળા પ્રવેશોત્સવ બાદ બાળકોના ગુણાત્મક શિક્ષણ પર રાજ્ય સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. તેમણે જણાવ્યું હતું કે મિશન વિદ્યા અને ધોરણ-ર માં નિદાન કસોટીના પરિણામો પણ સારા આવ્યાં છે. તે પરિણામ હજી પણ વધુ સારા આવે તે દિશામાં પ્રયાસો થઇ રહ્યાં છે.

શાળા પ્રવેશોત્સવ માત્ર શિક્ષણ વિભાગનો નહીં પરંતુ સમગ્ર રાજય સરકારનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે. એટલે જ શાળા પ્રવેશોત્સવ દરમિયાન રાજ્ય સરકારના તમામ પ્રધાનોતથા ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ ધોમધખતા તાપમાં ગામડાં ખૂંદીને શિક્ષણના આ સેવાયજ્ઞમાં જોડાઇ રહ્યા છે તેના પરિણામો પણ મળતા થયા છે ત્યારે આગામી દિવસોમાં પણ આ પ્રક્રિયા સૌના સહયોગ સાથે આગળ વધશે અને તેના પણ ખૂબ સારા પરિણામો મળશે.