અમદાવાદમાં શેક્સપિયરની ટ્રેજેડી ‘વોટ ઈઝ ડન ઈઝ ડન’નું મંચન થયું

અમદાવાદ- પુનઃકલ્પિત કૃતિ તરીકે અમદાવાદને અદભુત કલાકારો દ્વારા શેક્સપિયરના મેકબેથનું મંચન જોવાનો લ્હાવો પ્રાપ્ત થયો. ‘વોટ ઈઝ ડન ઈઝ ડન’એ પ્રસિધ્ધ અભિનેતા રજત કપૂર દ્વારા દિગ્દર્શિત અને વિનય પાઠક, રણવીર શોરી, તિલોત્તમા શોમ, આદર મલિક, માનસી મુલતાની, શીના ખાલિદ અને ચંદ્રચૂર રાય જેવા પ્રતિભાશાળી કલાકારો દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ગુરૂવારે ભજવાયુ હતું. આ નાટ્ય કૃતિની શહેરમાં થીએટર કલ્ચરને પ્રોત્સાહિત કરવા સક્રિય ‘ધ ફૂટલાઈટ થિયેટર્સ’ દ્વારા અમદાવાદમાં રજૂઆત કરવામાં આવી હતી.મેકબેથનું રૂપાંતરિત સ્વરૂપ ‘વોટ ઈઝ ડન ઈઝ ડન’માં થોડીક અલગ ઘટનાઓ આકાર લે છે અને બાર્ડ ઓફ ઓવન દ્વારા વર્ણન કરાયું હતું, તેવાં જ પરિણામો મળે છે. મૂળ અને રૂપાંતરિત કૃતિઓ વચ્ચે અન્ય મહત્વનો વિરોધાભાસ એ છે કે આ નાટ્યકૃતિમાં ઘટનાક્રમ અંગે વિદૂષકનું અર્થઘટન રજૂ કરવામાં આવ્યું છે. રજત કપૂરે અદભુત રીતે ક્લાસિક રચનાને વર્તમાન સ્વરૂપે રજૂ કરી છે.

‘વોટ ઈઝ ડન ઈઝ ડન’એ એવી કૃતિ છે કે જે ભારપૂર્વક દર્શાવે છે કે જે નિર્ણયો લેવાયા હોય તેમાંથી પીછેહઠ કરવી જોઈએ નહી. આ એક એવું નાટક છે કે જેમાં વિદૂષકો(clown)ને પાત્રો તરીકે રજૂ કરવામાં આવ્યા છે અને તેમની કલ્પના શક્તિનો મેકબેથની સ્ટોરીલાઈનને અનોખો દ્રષ્ટિકોણ આપવા માટે પ્રયાસ કરાયો છે. રજત કપૂર જણાવે છે કે “અમદાવાદમાં અમારા સૌ પ્રથમ શો ને અહીંના લોકોએ અદભુત પ્રતિભાવ આપ્યો છે અને અમે અમદાવાદમાં અન્ય પ્રોજેકટસ લઈને આવવા માટે આશાવાદી બન્યા છીએ”.

ફૂટલાઈટ થિયેટર્સ, અમદાવાદના સ્થાપક શ્રી ગૌરી બક્ષી જણાવે છે કે ”  અમદાવાદમાં રંગમંચ માટેની વધી રહેલી ચાહનાને કારણે અમે ‘વોટ ઈઝ ડન ઈઝ ડન’ જેવી કૃતિ રજૂ કરવા માટે પ્રેરાયા છીએ. આ એક અનોખી નાટ્ય રચના છે કે જે કુશળતાપૂર્વક બે ભિન્ન પ્રકારોને એક સાથે વણી લે છે અને દર્શકોને એક મિશ્ર પ્રકારની (ફ્યુઝન) કૃતિને માણવાનો અનુભવ પૂરો પાડે છે. હેમ્લેટ અને કીંગ લીયર પછી  કપૂરની આ ત્રીજી શેક્સપિયરિયન ટ્રેજડી છે કે જેમાં વિદૂષકોનો ઉપયોગ કરાયો છે. ‘વોટ ઈઝ ડન ઈઝ ડન’ બોસ્ટન, પ્લેસેન્ટીયા (કેલિફોર્નિયા) અને સિયાટેલના આંતરરાષ્ટ્રીય દર્શકોને રોમાંચિત કરી ચૂક્યું છે. તેણે મુંબઈ, કોલકતા, બેંગાલુરુ  સાથે બીજા ઘણા શહેરોમાં પણ એટલી જ પ્રશંસા પામી છે.