મુખ્યમંત્રી અમૃતમ્ યોજનામાં લીવર, કીડની, પેન્ક્રીયાઝ ટ્રાન્સપ્લાન્ટ અને ઘૂંટણ-થાપાના રીપ્લેસમેન્ટનો સમાવેશ કરાશે

0
1620

ગાંધીનગર– ઓછી આવક ધરાવતાં પરિવારોને ગંભીર બીમારી સમયે સારવારના મોટા ખર્ચમાંથી બચાવતી મુખ્યમંત્રી અમૃતમ્ યોજનામાં આગામી દિવસોમાં લીવર, કીડની, પેન્ક્રીયાઝ ટ્રાન્સપ્લાન્ટ તેમજ ઘૂંટણ-થાપાના રીપ્લેસમેન્ટ જેવી પ્રોસીજરનો સમાવેશ કરવામાં આવશે, એમ નાયબ મુખ્યપ્રધાન તથા આરોગ્યપ્રધાન નિતીનભાઇ પટેલે વિધાનસભામાં જણાવ્યું છે.વિધાનસભા સત્ર દરમિયાન પુછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં નિતીનભાઇ પટેલે જણાવ્યું કે, ગંભીર બીમારીઓ સમયે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને રક્ષણ આપતી મુખ્યમંત્રી અમૃતમ્ યોજના અંતર્ગત હાલમાં સાત પ્રકારની ગંભીર બીમારીઓનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં બર્ન્સ(દાઝેલા), હ્રદયના ગંભીર રોગો, કીડનીના ગંભીર રોગો, ગંભીર ઇજાઓ, નવજાત શિશુઓના ગંભીર રોગો, કેન્સર (કેન્સર સર્જરી, કિમો થેરાપી તથા રેડીઓ થેરાપી)  તથા મગજના ગંભીર રોગોનો સમાવેશ થાય છે. સને ૨૦૧૮-૧૯ના વર્ષમાં લીવર, કીડની, પેન્ક્રીયાઝ ટ્રાન્સપ્લાન્ટ તથા ઘૂંટણ-થાપાના રીપ્લેસમેન્ટ જેવી પ્રોસીજરનો સમાવેશ કરવાનું આયોજન છે.