કોંગ્રેસ પ્રભારીને વિશ્વાસઃ અમે યોગ્ય ટ્રેક પર છીએ, ચોક્કસ સારા પરિણામ મળશે

અમદાવાદ– લોકસભા ચૂંટણીને સતર્ક બનેલી ગુજરાત કોંગ્રેસ સમયસર ઉમેદવારોની યાદીને લઇને કામ કરી રહી છે. કેન્દ્રીય પ્રભારી રાજીવ સાતવ બે દિવસ જીપીસીસીમાં ઉપસ્થિત છે અને બેઠકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. રાજીવ સાતવે જણાવ્યું છે કે અમે લોકસભાની 26 બેઠકોના ઉમેદવારોની યાદી લઈને તૈયાર છીએ.લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષો ચૂંટણી લક્ષી તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવ પણ આ સંદર્ભેમાં ગુજરાતમાં છે. ત્યારે આજે રાજીવ સાતવે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને નિવેદન આપતાં જણાવ્યું હતું કે ગુજરાતની જનતા દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને અમારી રણનીતિ પ્રમાણે અમે કોંગ્રેસને જીતાડવા આગળ વધીએ છીએ.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા અને કોંગ્રેસને જીતાડવાની દિશામાં અમારી ચોક્કસ રણનીતિ છે અને નિશ્વિતપણે સારા પરિણામો આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. આવતી કાલે સિનિયર નેતાઓ સાથે બેઠક કરાશે. અમે સિનિયર નેતાઓના માર્ગદર્શનથી આગળ ચાલીએ છીએ. ભાજપની જેમ માર્ગદર્શક મંડળમાં મૂકીને અવગણના નથી કરતા. આમ કોંગ્રેસ યોગ્ય ટ્રેક ઉપર ચાલી રહી છે.

આપને જણાવીએ કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે તેમણે અમદાવાદની મુલાકાત લીધી છે. આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં જોકે વરિષ્ઠ ધારાસભ્ય શૈલેષ પરમાર હાજર ન રહેતાં તેમની નારાજગીની ચર્ચાઓએ જોર પક્ડયું હતું.