દૂધના ભાવમાં ઘટાડો કરતા ખેડૂતો આકરા પાણીએ

પાલનપુરઃ ખેડૂતોનો વિવિધ પ્રશ્નોને લઇને સરકાર તરફની નારાજગીનો ઉકેલ લવાયો નથી ત્યાં એક પછી એક નવા મોરચા ખુલતાં જઇ રહ્યાં છે. અરવલ્લીના ખેડૂતોએ પણ પોતાના એક મુદ્દાને લઇને ઉગ્ર વિરોધ કર્યો હતો.

સાબર ડેરી દ્વારા જાહેર કરાયેલા ભાવ ઘટાડાનો અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. જિલ્લામાંથી સાબર ડેરી ખાતે ભાવ ઘટાડા બાબતે વિરોધ કરવા માટે જઈ રહેલાં 1000થી વધુ દૂધ ઉત્પાદકોની જિલ્લાને જૂદાજૂદા સ્થળેથી અટકાયત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે સાબરડેરી દ્વારા ડેરીના દૂધ ઉત્પાદકો માટે ગત વર્ષે 9 ટકા ભાવ વધારો આપવામાં આવ્યો હતો ત્યારે ચાલુ સાલે આ ભાવ ઘટાડી 3.30 ટકા કરવામાં આવ્યો છે, જેના કારણે અરવલ્લી અને સાબરકાંઠાના દૂધ ઉત્પાદકો રોષે ભરાયા છે અને આ ભાવ વધારોનો ઉગ્ર વિરોધ કરી રહયા છે. અરવલ્લી જિલ્લામાં આ ભાવ વધારા સામે નારાજગી વ્યક્ત કરી પશુપાલકોએ મોડાસા નજીકના શીનોલ અને શિકા ચોકડી પાસે એકત્ર થઈ મોડાસા કપડવંજ રસ્તો ચક્કા જામ કર્યો હતો.

તો આ સીવાય ડુંગરવાડા ચોકડી પાસે પણ ખેડૂતોએ ટાયર સળગાવી ચક્કા જામ કર્યો હતો. જિલ્લામાંથી હિંમતનગર સાબરડેરી ખાતે જઈ રહેલા પશુપાલકોની જિલ્લાના મોડાસા, બાયડ, ધનસુરા, અને મેઢાસણ અને સાબરકાંઠાના ગાંભોઈ પાસેથી પોલીસે જુદી જુદી દૂધ મંડળીઓના અનેક ચેરમેન સહિત 1000થી વધુ દૂધ ઉત્પાદકોની અટકાયાત કરી હતી. ત્યારે સાબરડેરી દ્વારા ભાવ વધારામાં કારાયેલા ઘટાડાનો અરવલ્લી જિલ્લામાં પણ ઉગ્ર વિરોધ વ્યાપ્યો છે.