ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામઃ જીત માટે ભાજપ કોંગ્રેસનો દાવો

અમદાવાદ– ગુજરાતમાં રવિવારે 1183 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી, જેની મતગણતરી આજે બુધવારે 6 ફેબ્રુઆરીએ યોજાઈ હતી. 1423 ગ્રામ પંચાયતો પૈકી 1183 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ગામડાના મતદારોએ ખુબ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. ચૂંટણી પંચના અધિકારીઓના કહેવા પ્રમાણે મતદાન ખુબ જ શાંતિપૂર્ણ રહ્યું હતું. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 75 ટકાથી વધુનું મતદાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ chitralekha.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે આવેલા ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામોમાં 70 ટકા સંરપચો અને સભ્યો કોંગ્રેસ સમર્પિત છે. વર્તમાન ભાજપની સરકારની ખેડૂત વિરોધી નીતિ, ગોચરની જમીનનો મુદ્દો, પાણી કાપ, ખેડૂતોને પુરતી વીજળી અપાઈ નથી, આવા તમામ કારણોને લઈને ગ્રામ પંચાયતોમાં ગામડાના રહીશોએ ભાજપ વિરુધ્ધ મતદાન કરીને જનાદેશ આપ્યો છે.

પ્રદેશ ભાપના પ્રવકતા ભરત પંડ્યાએ chitralekha.com ને કહ્યું હતું, કે આજે આવેલા ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામોમાં 75 ટકા ગ્રામ પંચાયતોમાં ભાજપ સમર્થિત પંચાયતોમાં જીત થઈ છે. એટલે કે વિધાનસભાની ચૂંટણી પછી ગ્રામ પંચાયતોમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે. કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતમાં રુપાણીની સરકાર સાચા અર્થમાં ખેડૂતોની સરકાર છે. જેથી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભાજપને જનાદેશ મળ્યો છે.

રાજ્ય ચૂંટણી પંચના કહેવા પ્રાણે આ વખતે 22.5 લાખ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરવા યોગ્ય હતા. તેમાં 241 ગ્રામ પ્રચાયતો સમરસ જાહેર થઈ હતી, જેમાં 1750 સભ્યો બિનહરીફ જાહેર થઈ ચુકયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસેમ્બર 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ગામડાઓએ કોંગ્રેસને મત આપ્યો હતો.