સૂરતના ઐતિહાસિક કિલ્લાનું નવસર્જન, 900 કરોડથી વધુના કામ લોકાર્પિત

સૂરત- નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે સૂરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં ૭૦.૮૦ કરોડના ખર્ચે કરેલાં કાર્યો જનસમર્પિત કર્યાં હતાં.જેમાં રૂા.૧૮ કરોડના ખર્ચે ચોકબજારના કિલ્લાની ઐતિહાસિક ધરોહરને નવા રૂપરંગ આપી સજાવટ કરીને જીવંત કરવામાં આવ્યો છે.વેસુના આવેલા મેટરનિટી હોમ હેલ્થ સેન્ટર, હોસ્પિટલ અને ચોક બજાર ખાતે ઐતિહાસિક કિલ્લો હેરિટેજ સ્કેવરની લોકાર્પણવિધિ તથા જહાંગીરાબાદ ખાતે પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત EWS-1 ટાઈમ સ્કીમના ૧૧૯૪ આવાસો તથા EWS-2 ના ૮૬ આવાસો તથા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત આવાસોના વેઈટીંગમાંથી ફાળવણી લિસ્ટ બનાવવાનો કોમ્પ્યુરાઈઝ ડ્રો સહિત કુલ રૂા.૩૭૦.૮૦ કરોડના ખર્ચના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. ઉપરાંત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જહાંગીરાબાદ અને સચીન ખાતે રૂા.૩૫૬ કરોડના ખર્ચે ૩૧૦૪ મકાનોનું લોકાર્પણ તથા રૂા.૧૮૨.૧૭ કરોડના ખર્ચેના ૧૨૪૦ ભવનોનું ભૂમિપૂજન થયું હતું.

સૂરતનો ઐતિહાસિક કિલ્લો સજીવન થયો

     સૂરતના તાપી નદીના કિનારે ચોકબજાર ખાતે આવેલો પ્રસિધ્ધ કિલ્લો જે ઈ.સ.૧૫૪૦-૪૧માં બંધાયો હતો. તે વખતના સૂરતના નાઝિમ ખ્વાજા સફર સલમાની- જેમને ખુદાવંદખાનનો ખિતાબ મળ્યો હતો તેમણે બનાવ્યો હતો. કિલ્લાની દિવાલો ૨૦ ઈલાહી ગજ ઉંચી અને ૧૫ ગજ પહોળી હતી. કિલ્લાની ફરતે ૨૦ ગજ પહોળી ખાઈ હતી, અને કિલ્લાના પ્રત્યેક ખૂણે બુર્જ હતાં. દિવાલ પર તોપો રહેતી. જે સમયાંતરે જર્જરિત થયા હતા. પણ મહાનગરપાલિકા દ્વારા કિલ્લાને ત્રણ તબક્કામાં વિકસાવવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં રૂા.૧૮ કરોડના ખર્ચે આ ઐતિહાસિક ધરોહરને નવા રૂપરંગ આપી સજાવટ કરીને જીવંત કરવામાં આવ્યો છે. કિલ્લામાં અનેક પુરાતત્વીય વસ્તુઓ, મહાપુરુષોના ચિત્રો સાથેનો પરિચય, કિલ્લા પર તોપો મૂકવામાં આવી છે. આ ઐતિહાસિક કિલ્લાને નાયબ મુખ્યપ્રધાને નિહાળીને પાલિકાને અભિનંદન પાઠવીને સૂરતીઓને અનોખું પ્રવાસન સ્થળ મળી રહેશે તેવી આશા વ્યકત કરી હતી.

આ પ્રસંગે પટેલે જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા ભ્રષ્ટાચાર કરીને બેનામી મિલકતો વસાવનારા સરકારી અધિકારી-કર્મચારીઓ સામે આગામી સમયમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે.

અત્યાર સુધીમાં રાજયમાં ૩૦ હજારથી વધુ મકાનો બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨૫ વર્ષ પૂર્વના મકાનોને સર્વે સભ્યોની સમંતિથી રીડેવલપ કરવામાં આવી રહ્યા છે. ૨૫ થી ૩૦ લાખ જેટલી માતબર રકમના આવાસ સરકાર દ્વારા ૭ થી ૧૨ લાખ રૂપિયામાં ગરીબ અને મધ્યમવર્ગને આપવામાં આવી રહ્યાં હોવાનું જણાવાયું હતું.