દમણમાં 138 વર્ષ જૂની પોર્ટુગીઝ માર્કેટનું નવીનીકરણ કરાશે

દમણ– સંઘપ્રદેશ દમણ નગરપાલિકા સંચાલિત 138 વર્ષ જૂની પોર્ટુગીઝ શાસનમાં બનેલી પાલિકા માર્કેટને ન્યૂ ઇન્ડિયા, ન્યૂ દમણના પ્રશાસનના પ્રોજેક્ટમાં સામેલ કરી માર્કેટના ઐતિહાસિક મૂલ્યોની જાળવણી સાથે 1.40 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવશે, જેનું દમણ પાલિકા પ્રમુખ અને શહેરના અગ્રણી નાગરિકોની ઉપસ્થિતમાં શુભમૂહર્ત કરાયું હતું.1961માં સંઘપ્રદેશ દમણને આઝાદી મળી હતી. આ પૂર્વે આ નાનકડા પ્રદેશ ઉપર પોર્ટુગીઝ શાસન હતું. પોર્ટુગીઝ શાસન દરમિયાન દમણમાં અનેક ઐતિહાસિક ઇમારત બનાવવામાં આવેલી હતી. જે સમયે પોર્ટુગીઝ શાસનમાં વર્ષ 1879માં 32 દુકાનોની આ માર્કેટ બનાવવામાં આવી હતી. જેમાં આજે 132 જેટલી દુકાનો છે. માર્કેટમાં વેપારીઓ દ્વારા ઇલેક્ટ્રોનિક્સની તેમજ હોઝીયરી સહિત વિવિધ ઘર વપરાશની, સુશોભનની ચીજવસ્તુઓ વેચાય છે. આ મ્યુનિસિપલ માર્કેટ દમણનું હ્રદય ગણાય છે અને અહી આવતા તમામ પ્રવાસીઓ માર્કેટમાં ખરીદી માટે અચૂક આવે છે. 

138 વર્ષ જૂની આ માર્કેટ છેલ્લાં કેટલાય સમયથી મરામત માગતી હતી. માર્કેટની છત પરથી વરસાદમાં પાણી ટપકતું હતું. તો રોડના માર્જીનથી માર્કેટ નીચે હોય વરસાદી પાણી ભરાવાના અને વાયરીંગ ખરાબ થવાને કારણે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થવાના બનાવો બનતાં હતાં, જે માટે વેપારીઓ છેલ્લાં કેટલાક વર્ષોથી માર્કેટના રિનોવેશનની માગ કરતા હતાં. જેને દમણ મ્યુનિસિપલ પ્રમુખ શૌકત મિઠાણી અને કાઉન્સિલર અનિલભાઇએ ધ્યાને લઇ પ્રશાસનમાં રજૂઆત કરતા પ્રશાસક પ્રફૂલ પટેલે હાલમાં ચાલતા ન્યુ દમણ ન્યુ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત 1.40 કરોડના ખર્ચે રીનોવેશન કરવાની મંજૂરી આપી છે. અને છ માસમાં સંપૂર્ણ માર્કેટનું રીનોવેશન કરાશે. પ્રશાસનના આ સહયોગથી માર્કેટના વેપારીઓમાં ખુશીની લહેર વ્યાપી છે.આ અંગે દમણ પાલિકાના પ્રમુખ શૌકત મીઠાણીએ વિગતો આપી હતી કે દમણ પાલિકાની આ માર્કેટના વેપારીઓના ધંધા રોજગારને વધુ નુકસાની ન થાય એ માટે ત્રણ ભાગમાં માર્કેટનું રીનોવેશન કરાશે. ત્રણ ભાગમાં બનનારી માર્કેટનું કામ 6 માસમાં પૂરું કરવામાં આવશે. જોકે, આ રીનોવેશનમાં માર્કેટનું મુખ્ય સ્ટ્રકચર અને પોર્ટુગીઝ બાંધકામને જાળવી રખાશે. અને પોર્ટુગીઝ સમયના નામ ને જ ફરી મોટા બેનર સાથે યથાવત રખાશે

ઉલ્લેખનીય છે કે 1961 પૂર્વે દમણ પોર્ટુગીઝ શાસનમાં અાવતું હતુ. 18 ડિસેમ્બરના રોજ દમણને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાવવા માટે ભારત સરકારની સેના દ્વારા હવાઇ બોમ્બમારી કરવામાં આવી હતી. આ લડાઇમાં એક બોમ્બ દમણની આ માર્કેટ ઉપર પણ પડ્યો હતો, જેના કારણે માર્કેટની દુકાનમાં આગ લાગી હતી સાથે માર્કેટના મૂળ ઢાંચાને પણ નુકશાની પહોંચી હતી. આ માર્કેટમાં ખાસ કરીને ઇમ્પોર્ટેડ વસ્તુઓનું વેચાણ થતું હોવાના કારણે પર્યટકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર રહી છે.