6 આયુર્વેદિક કોલેજોની 380 બેઠકો પર પ્રવેશ માટે રીન્યુઅલની મંજૂરી

0
1012

ગાંધીનગર- શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ પ્રવેશ માટે રાજ્યની 6 આયુર્વેદિક કોલેજોની 380 બેઠકો પર પ્રવેશ માટે
રીન્યુઅલની મંજૂરી આપવામાં આવી છે.તેમ જ સેન્ટ્રલ એડમિશન કમિટી દ્વારા મિશન પ્રક્રિયા હાથ ધરાશે તેવી જાણકારી નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આપી હતી.પટેલે જણાવ્યું કે વર્ષ ૨૦૧૮-૧૯ માટે જે સરકારી આયુર્વેદ કોલેજો તથા ગ્રાન્ટ ઇન એઇડ કોલેજોમાં બેઠકોના પ્રવેશ માટે મંજૂરી મળી છે તેમા સરકારી આયુર્વેદિક કોલેજ, વડોદરા, ભાવનગર અને જૂનાગઢ ખાતે પ્રત્યેક કોલેજોમાં ૬૦ બેઠકો, સ્ટેટ મોડેલ ઇન્સ્ટીટ્યુટ, સરકારી આયુર્વેદિક કોલેજ, કોલવડા, ગાંધીનગર ખાતે ૬૦ બેઠકો તથા ગ્રાન્ટ ઇન એઇડ, ઓ.હી.નાઝર આયુર્વેદિક કોલેજ, સુરત ખાતે ૫૦ બેઠકો માટે અને ગ્રાન્ટ ઇન એઇડ શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, જામનગર ખાતે ૯૦ બેઠકો માટે મંજૂરી મળી છે.

આયુષ નિયામકની કચેરી હેઠળ સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ આયુર્વેદિક કોલેજોમાં ૪૪૦ બેઠકો ઉપલબ્ધ છે. ભારત સરકારના આયુર્વેદિક કાઉન્સિલના નિયમ મુજબ આ બેઠકો પર નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે મંજૂરી લેવાની હોય છે. દર વર્ષે આ કોલેજો પૂરતો શૈક્ષણિક સ્ટાફ ધરાવે છે કે કેમ? જરૂરી સાધન સામગ્રી ધરાવે છે કે કેમ? અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પૂરતી વ્યવસ્થા છે કે કેમ? તેની ચકાસણી કરવામાં આવે છે તે જ રીતે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ હસ્તકની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ ૬ કોલેજનું ઇન્સ્પેક્શન કરાયું હતું અને તેમાં આ તમામ કોલેજોમાં તમામ પ્રકારની જરૂરી વ્યવસ્થા છે, તે મુજબનો અહેવાલ આયુર્વેદ કાઉન્સિલને રજૂ કરાયો હતો તેના આધારે વર્ષ ૨૦૧૮-૧૯ માં ગુજરાતની આ ૬ આયુર્વેદિક કોલેજોમાં ૩૮૦ બેઠકોમાં નવા વર્ષે પ્રવેશ આપવાની મંજૂરી આપવામાં આવી છે. આ વર્ષે આ ૬ કોલેજોમાં એક સાથે સેન્ટ્રલ એડમિશન કમિટી દ્વારા એડમિશન પ્રક્રિયા હાથ ધરાશે.

આયુષ નિયામકની કચેરી હેઠળ કાર્યરત ૭ આયુર્વેદ કોલેજો પૈકી ૬ કોલેજો માટે કેન્દ્ર સરકારના સી.સી.આઇ.એમ. દ્વારા આ વર્ષના શૈક્ષણિક વર્ષ માટે મંજૂરી મળી છે. અને સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ, અમદાવાદની ૬૦ બેઠકો મંજૂરી માટેની પ્રક્રિયા પ્રગતિમાં છે. જે સત્વરે મંજૂર થશે.