ગુજરાત કોંગ્રેસનાં પ્રવક્તા રેખા ચૌધરીએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું

ગાંધીનગર – ગુજરાતમાં બે તબક્કાની વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણમાં ૯ ડિસેમ્બરે મતદાન થવાનું છે. ચૂંટણીને થોડા જ દિવસોની વાર છે ત્યાં ગુજરાત કોંગ્રેસને ફટકો પડ્યો છે. એનાં મહિલા પ્રવક્તા રેખા ચૌધરીએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.

રેખા ચૌધરીએ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી, પ્રવક્તાપદેથી તેમજ બીજા તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરતો પત્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીને મોકલી આપ્યો છે.

સૂત્રોનાં જણાવ્યા મુજબ રેખા ચૌધરી વિધાનસભા ચૂંટણી માટે પક્ષના ઉમેદવારોને ટિકિટોની ફાળવણીના મામલે નારાજ હતાં.

સૂત્રોનું કહેવું છે કે રેખા ચૌધરીનું રાજીનામું બતાવે છે કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક અશાંતિ પ્રવર્તે છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ૯ ડિસેમ્બર અને ૧૪ ડિસેમ્બરે થવાની છે. પરિણામ ૧૮ ડિસેમ્બરે છે. ૨૨ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે, પણ આ વખતે એને પછડાટ આપવા માટે કોંગ્રેસે જોરદાર રીતે કમર કસી છે ત્યારે રેખા ચૌધરી જેવાં મહત્વના નેતાનું રાજીનામું પાર્ટી માટે મોટા ફટકા સમાન ગણાય છે.

આ છે, રેખા ચૌધરીનું નિવેદન જે એમણે પોતાનાં ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છેઃ

‘મારી તમામ ક્ષમતા અને ઉર્જા #કોંગ્રેસ પક્ષ માટે ખર્ચી નાખ્યા બાદ પણ “#શંકરસિંહજી #બાપુ જુથ” ના છો તેમ ગણી મને સતત અન્યાય પક્ષ દ્વારા થતો રહ્યો. બાપુ કોઈ એક જુથ, વર્ગ જાતિ કે સમાજના નહીં પણ સમગ્ર ગુજરાતના લોકનેતા છે તેવી સાદી સમજ જેમને નહોતી તેવા કોંગ્રેસી નેતાઓએ ત્રણ ટર્મથી #વિધાનસભાની ચુંટણીમાં મારી ટીકીટ કપાય તેવા ભરચક અને સફળ પ્રયાસ કર્યા. #મહેસાણાજીલ્લાપંચાયત માં બહુમતી મળ્યા પછી પણ મારા અનુભવ અને #સીનીયોરીટી ને ઈરાદાપૂર્વક લક્ષમાં ના રાખી ,કોમવાદ ના ભોરિંગે કોંગ્રેસ પાર્ટી ને ભરડા મા લેતા સાવ નવોદિત ને પ્રમુખ બનાવ્યા જેના આપ સહુ સાક્ષી છો .સક્ષમ અને સીનીયર હોવા છતાં પક્ષીય શિસ્ત જાળવી અપમાન સહન કર્યુ. જે કામગીરી પક્ષ દ્વારા આપી તેને વિધાનસભા ની ચૂંટણી માં તક મળશે તે આશા સાથે પાર્ટી નું કદ વધે તે માટે સુપેરે નિભાવી .

ચૌદ વરસે જન્મટીપના કેદી ને પણ સ્વતંત્રતા મળે પણ #કોંગ્રેસપાર્ટી માં બાવીસ વર્ષ સુધી એક અદના કાર્યકર બની દિવસ રાત જોયા વગર કામગીરી કર્યા છતાં પાર્ટી એ મારી કદર ના કરી જેનું ભારોભાર દુઃખ છે .વાણી સ્વાતંત્ર્ય નો અભાવ અને કામ કરવાની પુર્ણ આઝાદીના અભાવે ગૂંગળામણ અનુભવાય છે .પળે પળે એવો અનુભવ થાય કે શક્તિ અને સમય વેડફાઈ રહ્યા છે. અંહી યુથ નુ નહીં જુથ નું મહત્વ છે. મારા ને તારા ના ચક્કરમાં સારા કાર્યકરો ની અવગણના થઈ રહી છે.

મને અફસોસ છે કે મારા અથાક પ્રયત્નો બાદ પણ કોંગ્રેસના નેતાઓએ મારી કદર ના કરી .#સોનિયાજી અને#રાહુલજી ખુબજ પ્રેમાળ વ્યક્તિઓ છે .પરંતુ કદાચ તેમના લાગણીશીલ હોવાનો પક્ષના કેટલાક નેતાઓ ગેરલાભ ઉઠાવે છે. બન્ને આદરણીય છે પણ #રાજકીય નિર્ણય નથી લઈ શકતા. માનનીય #અહેમદભાઈ પટેલ જેવા સાલસ અને વિવેકી વ્યક્તિ મેં મારા જીવનમાં બહુ ઓછા જોયા છે. ખુબ અફસોસ સાથે કહેવું પડે છે કે અવારનવાર વિનંતી કરી હોવા છતાં અહમેદભાઈ સાહેબ એક નિશ્ચિત વર્તુળ માંથી બહાર આવી કોઈ કાર્યકર ને ન્યાય ના આપી શક્યા . તેમછતાં તેમનો મારા પ્રત્યે ના વિવેક માટે હું હંમેશા ઋણી રહીશ .તમામ કોંગ્રેસી નેતાઓ નો વ્યક્તિગત સ્નેહ મને ચોક્કસ સાંપડ્યો છે. પણ અગાઉ કહ્યું તેમ પાર્ટી માં હંમેશા જૂથવાદ ની લડાઈ ચરમસીમા એ છે, જેમાં કાર્યકરો નો ભોગ લેવાય છે .

સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ છે. કોંગ્રેસમાં શક્તિ ની નહીં ગુલામીનું મહીમામંડન થાય છે . મારા જીવન માં એક વિચારે મારું હરહંમેશ માર્ગદર્શન કર્યું છે . #દૂધસાગર ડેરી ના સ્થાપક અને #ચૌધરીસમાજ ના આદરણીય સ્વ. માનસિંહભાઈ પૃથ્વીરાજભાઈ પટેલે કહ્યું હતું ” જે લોકો પોતાના હકક અને સ્વમાન પ્રત્યે સજાગ નથી , તે પશુઓ ની જેમ ગુલાવસ્થા માં સબડ્યા કરે છે” . હું આજે મારા હકક અને સ્વામાન ની લડાઈ લડી રહી છુ . પ્રજાકીય સેવા ના કામ ને બદલે જ્યાં કોમ નું મહત્વ વધી રહ્યું હોય ત્યારે મારૂ હવે કોંગ્રેસ માં રહેવું નિરર્થક છે તેમ જણાંતા પક્ષનો ત્યાગ કરૂ છું. #રાજનિતી એ સેવાનું માધ્યમ છે. પ્રજાભિમુખ વિકાસ જ એકમાત્ર ઉદ્દેશ હતો , છે અને રહેશે .મારા મતવિસ્તાર ના મતદારો એ મને અપાર સ્નેહ અને હિંમત આપી છે. હું મારી ફરજ નું સભાનપણે ધ્યાન રાખી મારા વિસ્તાર ના #વિકાસકાર્ય અને સુખ -દુઃખ માં હંમેશા તેમની સાથે રહીશ .હું નૈતિક્તા થી તેમની સાથે બંધાયેલી છુ.કોંગ્રેસ પાર્ટી ના હોદ્દા પર થી વિમુખ થઈ છુ સેવાકીય અભિગમ થી નહિ . આદ્યશક્તિ અંબિકા ને પ્રાર્થના કે મને સાચા લોકસેવક બનવા શક્તિ પ્રદાન કરે. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત’.