ગુજરાતઃ ફરસાણમાં વપરાયેલા તેલનું બાયો ડીઝલ, જાણો…

ગાંધીનગર- ભારત સરકારના ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટીના ચીફ એક્ઝ્યુકેટીવ ઓફિસર તથા ભારત સરકારના સચીવ પવન અગ્રવાલ ૪ સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન રાજ્ય સરકારના આરોગ્ય પરીવાર કલ્યાણ વિભાગ અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગર તેમજ એફ.એસ.એસ.એ.આઇ. નવી દિલ્હી દ્વારા રાજયના તમામ ફરસાણના વેપારીઓને વપરાયેલ ખાદ્યતેલને બાયોડીઝલમાં રૂપાંતર માટે કલેક્શન કરવા માટેના સોફ્ટવેરનું લોન્ચિંગ કરશે. હવે ફરસાણમાં વપરાયેલુ બળેલું તેલ બાયો ડીઝલ તરીકે ઉપયોગ કરી શકાશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ. જી. કોશિયા દ્વારા જણાવાયુ છે.

આ ઉપરાંત પવનકુમાર ખાદ્યચીજમાં થતી ભેળસેળ અંગેનું માર્ગદર્શન તેમજ પબ્લિક અવેરનેશ માટેની પિન્ક બૂક, ડાર્ટ બુક તથા યલો બૂકની ગુજરાતી આવૃત્તિઓનું અનાવરણ તથા કાંકરીયા ફૂડ સ્ટ્રીટને ભારતની પ્રથમ ક્લીન સ્ટ્રીટ ફૂડ હબના એવોર્ડ એનાયત કરવાના કાર્યક્રમમાં  મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

કોશિયાએ ઉમેર્યુ કે આ કાર્યક્રમમાં રાજયના ખાદ્યચીજોનું ઉત્પાદન તથા વેચાણ કરતા વેપારીઓ હાજરી આપનાર છે. ભારત સરકારે તાજેતરમાં રીયુઝડ કુકીંગ ઓઇલમાં ટીપીસીનું પ્રમાણ ૨૫% થી વધારે ધરાવતુ હોય તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેનો ઉપયોગ ન કરવા માટે એક જાહેરનામાથી હુકમ કરેલ છે, જે રીયુઝ્ડ કુકીંગ તેલનું ટીપીસી ૨૫%થી વધારે હોય તેને બાયોડીઝલમાં રૂપાંતરણ માટેના કલેક્શન માટેના સોફટવેરનું લોંચીન્ગ પણ કરશે.

આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર  બીજલ પટેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર, ચીફ મેનેજમેન્ટ સર્વિસ ઓફિસર, એફ.એસ.એસ.એ.આઇ. ન્યુ દિલ્હીના માધવી દાસ, પ્રાથમિક શિક્ષણ સચિવ ડૉ.વિનોદ રાવ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

નાગરિકોના આરોગ્યના હિતમાં એટલે સ્વઆરોગ્ય રક્ષણ માટે પોતાના દૈનિક આહારમાં ‘થોડા કમ’ સોલ્ટ, સુગર અને ફેટ માટે રાજ્યની પ્રજાની જાગૃતિ માટે નાગરિકોને શ્રી પવન અગ્રવાલ  શપથ પણ લેવડાવશે.