ગુજરાતઃ ફાર્માસીસ્ટ રજિસ્ટ્રેશન રીન્યુ કરાવવા રીફ્રેશર કોર્ષ ફરજિયાત

ગાંધીનગર- ફાર્મસી પ્રેક્ટિસ રેગ્યુલેશનના નિયમ પ્રમાણે દરેક રજિસ્ટર્ડ ફાર્માસીસ્ટે રજિસ્ટ્રેશન રીન્યુ કરવા માટે પાંચ વર્ષ દરમિયાન બે દિવસનો એક અથવા એક દિવસના બે રીફ્રેશર કોર્ષ કરવા ફરજિયાત છે. રજિસ્ટ્રેશન રીન્યુઅલ વખતે રીફ્રેશર કોર્ષના સર્ટીફીકેટની નકલ સામેલ કરવી ફરજિયાત છે.ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા તમામ ફાર્માસીસ્ટ જેઓના રજિસ્ટ્રેશનની રીન્યુઅલ મુદત ૩૧ ડીસેમ્બર, ૨૦૧૭ના રોજ સમાપ્ત થતી હોય, તેઓને રજિસ્ટ્રેશન રીન્યુ કરાવવા માટે નિયત ફોર્મ સાથે રીન્યુઅલ ફી ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલને તારીખ ૩૧ માર્ચ,૨૦૧૮ સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. આ તારીખ પછી આવેલી ફીના આધારે કોઇપણ ફાર્માસીસ્ટનું રજિસ્ટ્રેશન રીન્યુ થઇ શકશે નહી. જેઓનું રજિસ્ટ્રેશન આ પ્રમાણે રદ થાય તેઓને નિયમોનુસાર રી-એન્ટ્રી કરાવવાની રહેશે.

રીફ્રેશર કોર્ષ ન કરેલ હોય તેવા ફાર્માસીસ્ટોનું રજિસ્ટ્રેશન રીન્યુઅલ થવા પાત્ર  નથી. રીફ્રેશર કોર્ષ માટે જે તે ફાર્માસીસ્ટને નજીકની ફાર્મસી કોલેજનો અથવા ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના ફોન નં. (૦૭૯) ૨૨૬૮૧૦૧૨ પર સંપર્ક કરવો. રીન્યુઅલ માટે નિયત ફોર્મ અને વર્ષ ૨૦૧૭ સુધીની રીન્‍યુઅલ રસીદ સાથે તારીખ ૧લી જાન્યુઆરી થી ૩૧ માર્ચ ૨૦૧૮ સુધી સોમવારથી શુક્રવારના રોજ સવારે ૧૧-૦૦ થી ૪-૦૦ સુધી સ્વીકારવામાં આવશે. 

આ ઉપરાંત રીફ્રેશર કોર્ષના સમયગાળા માટે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની વેબસાઇટ www.gujaratstatepharmacycouncil.org સમયાંતરે જોતા રહેવું તેમ ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના રજીસ્ટ્રારની યાદીમાં જણાવાયું છે.