સ્માર્ટ ટેક્નોલોજીથી સજ્જ થશે સીજી રોડ… વાંચો વધુ વિગતો

અમદાવાદઃ શહેરનું હાર્દ ગણાતા સી.જી. રોડને હવે આધુનિક સ્વરુપ મળશે. આ મામલે મ્યુનિસિપલ કમિશનર, મેયર, અને કારોબારી ચેરમેન દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. સીજી રોડનું રિડેવલપમેન્ટ કરવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સ્માર્ટ સિટી પ્રપોઝલ અંતર્ગત સી.જી. રોડને શહેરની પ્રથમ ‘સ્માર્ટ સ્ટ્રીટ’ તરીકે રિડેવલપ કરાશે. સીજી રોડના નવીનિકરણ પાછળ રૂ.33 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

નવા સીજી રોડને સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ ડેવલપ કરવામાં આવશે. નવો સીજી રોડ તમામ પ્રકારની સ્માર્ટ ટેક્નોલોજીથી સજ્જ હશે. તો આ સાથે જ સીજી રોડ પર ફ્રી વાઈફાઈ ઝોન પણ આપવામાં આવશે. તો રોડ આ સાથે જ રોડ પર લાગેલી સ્ટ્રીટ લાઈટ પણ વાઈફાઈથી સંચાલિત થશે. સ્માર્ટ પાર્કિંગ મેનેજમેન્ટ કરવામાં આવશે. સીજી રોડ પરના ટ્રાફિક સિગ્નલ્સ પણ સ્માર્ટ થાંભલાથી બનાવાશે. સ્પીડ બ્રેકર પણ અત્યાધુનિક હશે. પાર્કિંગ માટે નંબર આપવામાં આવેલા હશે.

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કહ્યું કે, લગભગ 23 વર્ષ પહેલાં આ રોડ તૈયાર કરાયો હતો અને હવે સ્માર્ટ સિટી અંતર્ગત આ રોડની રિ-ડિઝાઈન તૈયાર કરીને ડેવલપ કરવાનું નક્કી કરાયું છે. હાલ સ્ટેડિયમ સર્કલથી પંચવટી સર્કલ સુધીના 2 કિ.મી.ના આ રોડને પરિમલ અન્ડરપાસ સુધી 2.6 કિ.મી. સુધીના રોડને રીડેવલપ કરાશે. આ રોડ પર ટ્રાફિકની ડેન્સિટી ન હોવા છતાં ટ્રાફિક જામ થાય છે અને રાહદારીઓને લીધે ભીડવાળો એરિયા જોવા મળે છે. સી.જી. રોડની પહોળાઈ 30 મીટર, લંબાઈ 2,600 મીટર, મેઈન જંક્શન- 14 અને નાના એપ્રોચ જંક્શન- 21 છે.

આ પ્રોજેક્ટ દિવાળી પછી શરૂ કરીને 1 વર્ષમાં પૂરો કરાશે. જોકે, 9 મહિનામાં કામગીરી પૂરી કરવાની ધારણા છે. ડિસેમ્બર પછી દર મહિને જુદા જુદા રોડની રિ-ડિઝાઈન કરીને પ્રોજેક્ટ હાથ ધરાશે. આગામી દિવસોમાં ખાઉ ગલી, લો ગાર્ડન માટે રિડેવલપમેન્ટની કામગીરી હાથ ધરાશે અને તે માટે એનઆઈડી દ્વારા ડિઝાઈન તૈયાર કરાશે.