સાવરકુંડલાની હોસ્પિટલ માટે રૂ.1 કરોડનું દાન આપતાં લંડનના રમેશ સચદેવ

સાવરકુંડલા– સાવરકુંડલામાં સ્વ.લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર-હોસ્પિટલના લાભાર્થે ચાલી રહેલી મોરારીબાપૂની રામકથા ‘માનસ સેવાયજ્ઞ’માં દાનનો પ્રવાહ સતત ચાલુ છે. એ દરમિયાન, લંડનમાં વસતા ભારતીય મૂળના રમેશભાઈ સચદેવે આજે શનિવારે રામ કથામાં, આરોગ્યમંદિર માટે રૂ.એક કરોડનું દાન આપવાની જાહેરાત કરી હતી.ઉલ્લેખનીય છે કે ‘ચિત્રલેખા’ના આ સપ્તાહના(તા.19 ફેબ્રુઆરી)ના અંકમાં લંડનમાં લેવાયેલી રમેશભાઈની મુલાકાત પ્રકાશિત થઈ છે. ચિત્રલેખાના પત્રકાર જ્વલંત છાયાને આપેલી એ મુલાકાતમાં એમણે કહ્યું છે કે હું બીજાને આપી શકું એ માટે હવે કમાઉં છું… ખાસ આ કાર્ય માટે લંડનથી સાવરકુંડલા આવેલા રમેશભાઈએ ‘ચિત્રલેખા’ને કહ્યું કે ‘બાપૂ આ યજ્ઞ કરી રહ્યા છે એમાં મેં મારી આહુતિ આપી છે. બધા મારા બિઝનેસ, સંપત્તિ વિશે ચર્ચા કરે છે પણ’ ‘ચિત્રલેખા’એ મારી આવી આપવાની વૃત્તિ અને સેવાની નોંધ લીધી છે. એ મને ગમ્યું છે. કમાવા કરતાં આપવાની વાત મોટી છે.’