અમદાવાદમાં રામકૃષ્ણ મઠની સ્થાપના કરાશે

અમદાવાદઃ જનસેવાની મહેંક ફેલાવતી પ્રવૃત્તિઓ હાથ ધરવા અમદાવાદમાં રામકૃષ્ણ મઠની સ્થાપના કરાશે. સૂચિત મઠ હસ્તગત કરવા અંગેનો સમારોહ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલની ઉપસ્થિતિમાં ૩૦મી મે ૨૦૧૮ના રોજ સિંધુભવનમાં યોજાશે. આ પ્રસંગે રામકૃષ્ણ મઠના મહામંત્રી સ્વામી સુવિરાનંદજી મહારાજ બેલૂર મઠ વતી કેન્દ્રના દસ્તાવેજોનો સ્વીકાર કરશે.સૂચિત કેન્દ્ર રાજકોટના શ્રી રામકૃષ્ણ આશ્રમના પેટા-કેન્દ્ર તરીકે કામ કરશે અને તે રામકૃષ્ણ મઠ – અમદાવાદ તરીકે ઓળખાશે. હાલના તબક્કે તે કેન્દ્ર વસ્ત્રાપુર વિસ્તારના કલ્યાણ ટાવર ખાતેથી જનસેવાની પ્રવૃત્તિઓ હાથ ધરશે અને પછીથી ભવિષ્યમાં અમદાવાદ કે આસપાસના વિસ્તારમાં પ્લોટ મેળવવામાં આવશે. વિશ્વ વિખ્યાત અધ્યાત્મિક અગ્રણી સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની સ્થાપના વર્ષ ૧૮૯૭માં કરી હતી તેના ભાગરૂપે શ્રી રામકૃષ્ણ આશ્રમ-રાજકોટ શાખાની સ્થાપના કરવામાં આવી હતી. રાજકોટ આશ્રમ વર્ષ ૧૯૨૭થી અધ્યાત્મિક અને સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક અને આરોગ્યને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય છે. શ્રી રામકૃષ્ણ તથા મા શારદા દેવી અને સ્વામી વિવેકાનંદના બોધપાઠને આવરી લઈને આશ્રમ રાજ્યભરમાં જનસેવા એ જ પ્રભુસેવાના સૂત્રને સાકાર કરતી પ્રવૃત્તિઓ કરે છે. રામકૃષ્ણ મિશનનું મુખ્ય મથક પશ્ચિમ બંગાળના બેલુર ખાતે કાર્યરત છે અને દુનિયાભરમાં તેની આશરે ૨૦૦ શાખાઓ છે.

અમદાવાદમાં શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર વર્ષ ૧૯૮૮થી ગુજરાત રામકૃષ્ણ વિવેકાનંદ ભવ પ્રચાર પરિષદ સાથે સંકળાયેલું હતું. તેની પ્રવૃત્તિઓ નીચે મુજબ હતીઃ

  • સત્સંગ અને અન્ય અધ્યાત્મિક પ્રવૃત્તિઓ નિયમિતપણે હાથ ધરવી
  • સંધ્યા સમયે ભાવિકો દ્વારા પ્રાર્થના
  • શ્રી રામકૃષ્ણ,મા શારદા દેવી અને સ્વામી વિવેકાનંદ તેમજ અન્ય સાધુસંતોની જન્મજયંતીનીઉજવણી
  • અગિયારસના દિવસે શ્રી રામ-નામ કીર્તન
  • વિવેક વિહારઃ ગરીબ પરિવારોના બાળકોમાં નૈતિક મૂલ્યોનું સિંચન
  • નારાયણ સેવાઃ ગરીબ અને જરૂરતમંદોને ભોજન વગેરેનું વિતરણ

રામકૃષ્ણ મઠ તરીકે વિકસિત કરવામાં આવ્યા બાદ સેન્ટરની પ્રવૃત્તિઓમાં મોટાપાયે વધારો થશે. તે બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર કે આસપાસના વિસ્તારમાં જમીન મેળવીને તેના પર ભવનનું નિર્માણ કરવાની યોજના ઘડવામાં આવી છે. તે ભવનમાં શૈક્ષણિક અને સાંસ્કૃતિક તથા આરોગ્યને લગતી પ્રવૃત્તિઓનું વિસ્તરણ કરવામાં આવશે.

સૂચિત મઠની ભાવિ પ્રવૃત્તિઓઃ

  • શિક્ષકો તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે શાળા-કોલેજોના પરિસરોમાં તેમજ કેમ્પસની બહાર નૈતિક મૂલ્યોના મહત્ત્વને લગતા કાર્યક્રમો યોજવા
  • મોબાઈલ મેડિકલ યુનિટ શરૂ કરવું
  • નિયમિત પ્રાર્થના અને ધ્યાનના કાર્યક્રમો
  • રામકૃષ્ણ આશ્રમના સાધુ-સંતો દ્વારા નિયમિત પ્રવચનો
  • શૈક્ષણિક સંસ્થાઓ તથા કોર્પોરેટ હાઉસોમાં માનસિક તાણ નિવારણ તેમજ યોગ-ધ્યાનના કાર્યક્રમો
  • કુદરતી આફતો વેળાએ રાહત

સ્વામી વિવેકાનંદ સ્મારકની સ્થાપના

સ્વામી વિવાકાનંદ વર્ષ ૧૮૯૧માં અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે તેઓ તે વખતના પેટા-ન્યાયમૂર્તિ શ્રી લાલશંકર ઉમાશંકર ત્રવાડીના નિવાસસ્થાને રહ્યા હતા. તે બંને નિવાસ અમદાવાદના અમૃતલાલ પોળ અને ટાઉન હોલની પાછળ એલિસ બ્રીજ ખાતે હજુપણ મોજુદ છે. તે બંને ઈમારતોને સ્વામી વિવેકાનંદ સ્મારકમાં રૂપાંતરિત કરવાની વિચારણા હાથ ધરવામાં આવશે.