રાજકોટઃ મગફળીના ગોડાઉનમાં આગ, મોટા જથ્થામાં મગફળી બળીને ખાક

રાજકોટઃ શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નાફેડની મગફળી રાખવા ભાડે રખાયેલા ગોડાઉનમાં આગ લાગતા ૨૮,૦૦૦ ગુણી મગફળીનો જથ્થો રાખ થઈ ગયો છે. આગ લાગ્યાની જાણ થતાં કલેકટર રાહુલ ગુપ્તા ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, ૨૮,૦૦૦ ગુણી મગફળી તેમાં રાખેલી છે. આગ ક્યા કારણસર લાગી હતી તેનું કારણ શોધવા તપાસ હાથ ધરાઈ છે. અમે સરકારને પણ રીપોર્ટ મોકલી આપ્યો છે. એફ.એસ.એલ.ની ટીમને પણ બોલાવીને તપાસ શરૂ કરાવી છે.

શાપરના મગફળીના ગોડાઉનમાં આગ લાગતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આખરે લોકોની ભીડ વધી જતા પોલીસે લોકોને કાબુમાં લીધા હતા. તો આગ લાગવાની જાણ થતા જ એસ.પી, મામલતદાર અને સ્થાનિક પોલિસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તો આ સીવાય આગને તુરંત કાબુમાં લેવા માટે ફાયરફાઈટરો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.

મગફળીના આ ગોડાઉનમાં કુલ 43,630 બોરી મગફળીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ મગફળીની કુલ કિંમત 7 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે. આ ગોડાઉન ગુજરાત વેરહાઉસે ભાડા પર રાખ્યું હતું. છેલ્લે મળતા સમચાર મુજબ આગ કાબુમાં આવી ગઈ છે. પણ મગફળીના ગોડાઉનમાં અગાઉ ગોંડલમાં પણ આગ લાગવાની ઘટના બની હતી, જે પછી બીજી વખત મગફળીનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. વારંવાર આગ લાગવાની ઘટના પછી સૌના મનમાં પ્રશ્ન હતો કે આગ લાગી છે કે લગાડવામાં આવી છે.

સીએમ વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે આગના જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કલેક્ટર અને ડીએસપી તપાસ કરી રહ્યા છે. ઉચ્ચ સ્તરીય તપાસ પણ કરાશે.