રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, ગરમીથી ત્રાહીમામ લોકોને મળી રાહત

0
1129

અમદાવાદઃ ગુજરાતમાં ફરીથી વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર થઈ છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના 130 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધારે વરસાદ સુરતના ચોર્યાસીમાં 5 ઈંચ જેટલો ખાબક્યો છે. તો આ સીવાય જલાલપોર, સુરત શહેર, નવરાસી, ઉમરગામ, વાપી અને કામરેજમાં 4-4 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત 28 તાલુકામાં 2 થી 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો આગામી બે દિવસમાં રાજ્યમાં બારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. મહત્વનું છે કે છેલ્લા બે દિવસમાં અમદાવાદ શહેરના અનેક વિસ્તરોમાં વરસાદ પડ્યો હતો. તો આજે સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. અને બપોર સુધીમાં ફરી વરસાદ વરસે તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારે પ્રહલાદનગર,શ્યામલ, શિવરંજની, જુહાપુરા, વાડજ, રાણીપ, સાબરમતી, ચાંદખેડા, અમરાઇવાડી, હાટકેશ્વર, બાપુનગર, ઓઢવ સહિતન અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડવાથી લોકોમાં આનંદની લાગણી છવાઇ ગઇ હતી.

ભરૂચ જિલ્લાની જો વાત કરવામાં આવે તો મંગળવારે ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જેના પગલે અંકલેશ્વરમાં 2 ઇંચ, ભરૂચમાં 1 ઇંચ, હાંસોટમાં 1.5 ઇંચ, વાલિયામાં 1.5 ઇંચ, ઝઘડિયામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં આવેલા પાટણ જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. જિલ્લાના સાંતલુર, વારાહી, રાધનપુર, સમી અને હારીજ તાલુકમાં ધોધમાર વરસાદ પડ્યો છે.