સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત, ખંભાળીયા 16 ઇંચ, માણાવદર 11 ઇંચ અને વાંસદામાં ૧૦ ઇંચ વરસાદ

ગાંધીનગર- ચોમાસાની સીઝનમાં મેઘરાજાની અનવરત મહેરથી અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત વંચિત છે ત્યાં  સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહ્યું છે.

રાજ્યમાં વરસાદી માહૌલ વચ્ચે વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેનું જોર યથાવત રાખીને ૫૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસાવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકામાં ૪૧૨ મી.મી. એટલે કે સાડા સોળ ઇંચ જેટલો, જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં ૨૮૩ મી.મી. એટલે કે અગિયાર ઇંચથી વધુ અને નવસારી જિલ્લાના વાંસદામાં ૨૪૫ મી.મી. એટલે કે દશ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૮/૦૭/૨૦૧૮ને સવારે ૭-૦૦ કલાક દરમિયાન વઘઇ તાલુકામાં ૨૧૪ મી.મી. માંગરોળમાં ૨૧૦ મી.મી. મળી કુલ બે તાલુકામાં આઠ ઇંચથી વધુ, રાણાવાવ તાલુકામાં ૧૯૪ મી.મી., માળીયામાં ૧૯૧ મી.મી. મળી કુલ બે તાલુકામાં સાત ઇંચથી વધુ, લાલપુરમાં ૧૫૬ મી.મી., કેશોદ અને વંથલીમાં ૧૫૫ મી.મી., ગણદેવીમાં ૧૫૩ મી.મી. મળી કુલ ચાર તાલુકામાં છ ઇંચથી વધુ, જામજોધપુરમાં ૧૪૭ મી.મી. કુતિયાણામાં ૧૪૬ મી.મી., ઉના-ડોલવણ અને ચીખલીમાં ૧૩૪ મી.મી., ગીરગઢડામાં ૧૨૮ મી.મી. મળી કુલ છ તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત રાજ્યના કોડીનાર તાલુકામાં ૧૦૫ મી.મી. એટલે કે ચાર ઇંચથી વધુ, સુત્રાપાડા અને જાફરાબાદમાં ૯૮ મી.મી., ખેરગામમાં ૯૭ મી.મી. જામનગરમાં ૯૧ મી.મી., માંડવી અને સુબીરમાં ૮૫ મી.મી., કપરાડામાં ૮૩ મી.મી., વલસાડમાં ૭૭ મી.મી. મળી કુલ ૮ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ, જૂનાગઢ અને જૂનાગઢ શહેરમાં ૭૨ મી.મી., ડાંગમાં ૭૦ મી.મી., કાલાવડમાં ૫૯ મી.મી., દ્વારકામાં ૫૭ મી.મી., ધરમપુરમાં ૫૪ મી.મી., ઉમરગામમાં ૫૨ મી.મી. મળી કુલ સાત તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય ૧૭ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ હોવાના અહેવાલો છે.

તાજેતરમાં પડી રહેલા વરસાદે સર્જેલાં દ્રશ્યોની તસવીરી ઝલક માણો…