અમદાવાદઃ મેઘરાજાની ફરી એન્ટ્રી, ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટાંથી ઠંડક થઇ

અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી એક લાંબો વિરામ લીધા બાદ અમદાવાદમાં મેઘરાજાએ એન્ટ્રી કરી છે. આજે અમદાવાદના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોઈને બેઠેલા તેમજ ગરમી અને બફારાથી ત્રસ્ત થયેલા અમદાવાદીઓએ વરસાદ આવતા રાહતનો શ્વાસ લીધો હતો.

આજે અમદાવાદના મણિનગર, દાણીલીમડા, કાંકરીયા, એસજી હાઈવે અને સોલા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તો આ સાથે જ હજી પણ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સર્જાયેલું છે. ત્યારે વરસાદ તેના પૂર્ણ મીજાજ સાથે વરસે તેવી શહેરીજનો અપેક્ષા રાખી રહ્યા છે.

મહત્વનુ છે કે છેલ્લા ઘણા સમયથી સમુદ્રમાં કોઈ જ વરસાદી સિસ્ટમ સક્રીય નહોતી. પરંતુ અત્યારે બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતા અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદની શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી અનુસાર 8 ઓગષ્ટ બાદ સમગ્ર રાજ્યમાં ચોમાસુ ફરી સક્રિય થવાની શક્યતાઓ છે.