ચેતજો,રાય, આરકે અને પારુલ યુનિવર્સિટીને નથી અપાઈ આ કોર્સીસની માન્યતા

ગાંધીનગર-નવા શૈક્ષણિક વર્ષમાં પસંદગીના અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માટેનો સમય આવી રહ્યો છે. ત્યારે જે વિદ્યાર્થીઓ કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોમાં જવા માગે છે તેમના માટે ખૂબ મહત્ત્વની જાણકારી રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે.વિભાગ દ્વારા જણાવાયાં મુજબ કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો ચલાવવા માટે રાય યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી તથા અન્ય ખાનગી યુનિવર્સિટી દ્વારા બી.એસ.સી. તથા ખાનગી યુનિવર્સિટી દ્વારા (એગ્રી). બી.ટેક, (એગ્રીકલ્ચર એન્જીનીયરીંગ ) બી.એસ.સી.(હોર્ટી) અને કૃષિ ઇજનેરી (ડિપ્લોમા) જેવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો ચલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઇ મંજૂરી આપવામાં આવી નથી.  જેની  વિદ્યાર્થીઓ અને નાગરિકોએ નોંધ લેવા જણાવાયું છે.

વધુમાં જણાવ્યાનુસાર  રાજ્ય સરકાર દ્વારા આ કોર્ષો ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૦૪ની કલમ નં.૪(૪) ની વિરુદ્ધ હોઇ તાત્કાલિક અસરથી બંધ કરવા જણાવાયુ હતું.વર્ષ ૨૦૧૮-૧૯માં સંબંધિત ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એસસીએ/એલપીએ દાખલ કરી દાદ માંગવામાં આવેલ હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા સંયુક્ત રીતે સુનાવણી કરીને આ અરજીઓ અંતર્ગત આ ત્રણેય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમો ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ અધિનિયમ, ૨૦૦૪ ની કલમ નં. ૪(૪)ની જોગવાઇ મુજબ રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી મેળવેલ ન હોઇ અને ઉક્ત અભ્યાસક્રમો ચલાવવા બાબતે આઇ.સી.એ.આર. દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ ધારા-ધોરણોનો અમલ કરવામાં આવેલ ન હોઇ, હાઇકોર્ટ દ્વારા તા.૩૦/૧૦/૨૦૧૮ના ચૂકાદાથી ખાનગી યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોને અમાન્ય ઠરાવેલ છે.હાઇકોર્ટના તા.૩૦/૧૦/૨૦૧૮ના ચૂકાદા વિરુદ્ધ રાય યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી અને પારૂલ યુનિવર્સિટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં સ્પે. લીવ પીટીશનો દાખલ કરવામાં આવી છે. જે પીટીશનોની સુપ્રિમ કોર્ટ દ્વારા તા.૧૧/૦૧/૨૦૧૯ના રોજ સુનાવણી હાથ ધરીને નિકાલ કરાયો છે. આમ આ ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં  આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમોને રાજ્ય સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલ નથી. જેની નાગરિકોને નોંધ લેવા જણાવાયુ છે.