ચોટીલામાં રાહુલ ગાંધીનું સંબોધન, ગુજરાત મોડલને ગણાવ્યું નિષ્ફળ

રાહુલ ગાંધીએ પોતાના ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે ધ્રોળ અને ચોટીલામાં લોકોને સંબોધન કર્યું હતુ. ચોટીલામાં માતા ચામુંડાના દર્શન કરી માર્કેટિંગ યાર્ડ ખાતે લોકોને સંબોધન કર્યું હતુ. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ખેડૂતો અને યુવાનો મુદ્દે ખૂબ જ ભાર આપ્યો હતો અને બીજેપીની સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતાં.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે હિંદુસ્તાન અને ગુજરાત સામે બે-ત્રણ મોટા પડકારો છે. સૌથી મોટો સવાલ બેરોજગારીનો છે. રાહુલે જણાવ્યું કે દેશની જનતાએ મોદીજી પર વિશ્વાસ મુકીને તેમને એટલા માટે વડાપ્રધાન બનાવ્યા કારણ કે તેમણે પ્રતિવર્ષ 2 કરોડ યુવાનોને રોજગારી આપવાનું વચન આપ્યું હતું પરંતુ પરીસ્થિતિ કંઈક અલગ છે. રોજ 30 હજાર યુવાનો નોકરી માટે ઘરેથી નીકળે છે તેમાંથી માત્ર 400 લોકોને રોજગારી મળે છે. રાહુલે જણાવ્યું કે જ્યારે કેન્દ્રમાં અમારી સરકાર હતી ત્યારે પ્રતિવર્ષ 1 લાખ યુવાનોને રોજગારી મળતી હતી. તો આ સીવાય ચાઈના મુદ્દે બોલતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે આપણે ચાઈના સાથે કોમ્પીટીશન કરી રહ્યા છીએ પણ તમે કોઈપણ વસ્તુ બજારમાં ખરીદવા જશો તો તેની પાછળ મેડ ઈન ચાઈના લખેલું હશે. ખેડુતો મુદ્દે બોલતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશને ઉભો કરવામાં ખેડુતોએ મહત્વનો ભાગ ભજવ્યો છે, પરંતુ મોદી સરકાર ખેડુતોને ભૂલી ગઈ છે. રાહુલે જણાવ્યું કે મોદી સરકાર પોતાના ઉદ્યોગપતિ મીત્રોને આપેલા વચનો પૂરા કરે છે, પરંતુ તેઓ આ દેશના ખેડુતો, યુવાનો, અને નાના ઉદ્યોગપતિઓને આપેલા વચને પૂરા નથી કરતા. જનતાને કોંગ્રેસનો ભરોસો આપતા રાહુલે જણાવ્યું કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો અમે લોકો યુવાનોને રોજગારી આપીશું અને ખેડૂતોનું દેવું માફ કરીશું.

પાટીદારો મુદ્દે બોલતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે બીજેપીની સરકારે પાટીદારો પર અત્યાચાર કર્યો છે, કોંગ્રેસની સરકાર ક્યારેય આવું ન કરે. અમે લોકો ભાઈચારાથી લોકોને સાથે રાખીને ચાલીશું. મોદીજી ગુજરાત મોડલને રાહુલ ગાંધીએ નિષ્ફળ ગણાવ્યું અને કહ્યું કે અત્યારે જે ગુજરાત મોડલ છે તે તદ્દન નિષ્ફળ છે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો અમે લોકો બધાને સાથે રાખીને ચાલીશું અને ગુજરાત ફરીએકવાર આખા દેશનું નેતૃત્વ કરશે.