રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં 15,000ના બોન્ડ પર જામીન મળ્યાં..

અમદાવાદ- કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે બપોરે અમદાવાદ આવી પહોંચ્યાં હતાં. અમદાવાદ મેટ્રો કોર્ટમાં તેમની વિરુદ્ધ થયેલાં માનહાનિના કેસ સંદર્ભે તેઓ જૂબાની આપવા આવ્યાં હતાં. લોકસભા ચૂંટણીપ્રચાર માટે ગુજરાત પ્રવાસ બાદનો, રાજીનામું આપી દીધાં બાદનો તેમનો આ પહેલો ગુજરાત પ્રવાસ હતો. નોટબંધી દરમિયાન એડીસી બેંકે કાળાં નાણાં વ્હાઈટ કરી આપ્યાં હોવાનો આરોપ મૂક્યો હતો તે સંદર્ભે માનહાનિ કેસનો રાહુલ ગાંધી સામનો કરી રહ્યાં છે. કોર્ટે આ કેસમાં તેમને 15,000 રુપિયાના બોન્ડ પર જામીન આપ્યાં છે અને કેસની આગળની કાર્યવાહી 7 સપ્ટેમ્બરે યોજાશે.  રાહુલ ગાંધી અને રણદીપ સૂરજેવાલા દ્વારા નોટબંધી અંગેના એક આક્ષેપમાં તેમની સામે માનહાનિ કેસ કરવામાં આવેલો છે.રાહુલ ગાંધી એરપોર્ટ પર આવી પહોચતાં પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીએ તેમનું પુષ્પગુચ્છથી ઉમળકાભર્યું સ્વાગત કર્યું હતું.રાહુલ ગાંધીએ અમદાવાદ પહોંચતાની સાથે જ એક ટ્વીટ કર્યું હતું,જેમાં RSS-ભાજપ પર કટાક્ષયુક્ત પ્રહાર કર્યા હતાં.

રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં જુબાની આપવા માટે લગભગ 3 કલાકે મેટ્રો કોર્ટમાં પહોંચ્યાં હતાં. મેજિસ્ટ્રેટ એન.બી. મુનશીની કોર્ટમાં રાહુલનું નિવેદન નોંધાવાનું છે.નોટબંધી વખતે રાહુલ ગાંધી અને કોંગ્રેસી પ્રવક્તા પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ નોટબંધી વખતે એડીસી બેન્ક વિશે વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું. રાહુલ અને સૂરજેવાલાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના નેતાઓ અને અમિત શાહ એડીસી બેન્ક સાથે સંકળાયેલા હોવાથી 5 દિવસમાં 745 કરોડ રૂપિયાની જંગી રકમની હેરાફેરી કરવામાં આવી હતી. આની સામે એડીસી બેંકના ચેરમેન અજય પટેલે રાહુલ ગાંધી અને સૂરજેવાલા વિરુદ્ધ 745 કરોડની માનહાનિનો દાવો કર્યો હતો.

કોર્ટને પ્રથમ દ્રષ્ટિ બદનક્ષી સાબિત થતાં રાહુલ ગાંધીને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જોકે મે માસમાં રાહુલ ગાંધી ઉપસ્થિત રહી શક્યાં ન હતાં. જ્યારે આજે 12 જૂલાઈએ કોર્ટમાં હાજર રહેવાના સમન્સને લઇને રાહુલ ગાંધી આવ્યાં હતાં. કોર્ટ જતાં પહેલાં તેમણે લૉ ગાર્ડનમાં એક હોટેલમાં ભોજન લીધું હતું.અમદાવાદના ઘીકાંટા સ્થિત મેટ્રો કોર્ટનો રૂમ વકીલોથી ભરાયેલો જોવા મળ્યો હતો. મેજિસ્ટ્રેટ એન.બી. મુનશીએ બધાંને શાંત રહેવાની અપીલ કરી હતી. રાહુલની સાથે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ અને અહેમદ પટેલ કોર્ટરુમમાં હાજર રહ્યાં હતાં. રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસની લીગલ ટીમ હાજર છે જેમની પાસેથી રાહુલ ગાંધીએ સમગ્ર કેસની વિગતો મેળવી હતી.

13નંબરની મેટ્રો કોર્ટમાં વકીલોએ રાહુલ ગાંધીનો મોબાઈલથી વિડિયો ઉતાર્યો હતો. ભીડ એટલી વધી હતી કે કોર્ટ રૂમના દરવાજા બંધ કરવા પડ્યાં હતાં અને કોર્ટમાં ભીડને લઇને વકીલોને ખુરશી પર ઉભા રહેવું પડ્યું હતું.તો મેટ્રો કોર્ટની બહાર પણ હજારોની સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
કોર્ટરુમ અપડેટઃ

છઠ્ઠાં માળે આવેલી છે કોર્ટ રૂમ નંબર 13, જ્યાં રાહુલની જૂબાની લેવાઇ.
જજે પૂછ્યું છે કે કેસ પેપર મળ્યાં છે કે નહી, રાહુલે કહ્યું હા મળ્યાં છે
જજે કહ્યું- ગુનો કબૂલ છે..રાહુલે કહ્યું ના હું દોષી નથી
કોર્ટના ડોક્યુમેન્ટમાં પાર્લામેન્ટના સ્પેલિંગમાં ભૂલ હોવાનું રાહુલે જજને જણાવ્યું
રાહુલ ગાંધીનું કોર્ટમાં નિવેદન: મુજ પર જો આરોપ લગાયે ગયે હે…ઉસમેં મેં બિલકુલ નિર્દોષ હું.
રાહુલ ગાંધીના વકીલનું નિવેદનઃસમન્સ ઇસ્યૂ કરાયું છે એટલે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યાં છે,જામીન લેવાની કોઈ જરૂર નથી
જ્યારે ફરિયાદી પક્ષે કાઉન્ટર રજૂઆતમાં એડીસી બેંકના વકીલે કહ્યું કે જામીન માટે રજૂઆત કરવી પડે ભલે પછી જે પણ નિર્ણય કોર્ટ લે. ફરિયાદીના વકીલ એસ વી રાજુએ કહ્યું કે ક્રિમિનલ કેસ છે, જામીન વગર ન છોડી શકાય
કોર્ટમાં જામીન માટેના બોન્ડ મંગાવવામાં આવ્યાં, રાહુલ ગાંધી જામીન મેળવવા અરજી કરી શકે છે. 5000 રુપિયાના મુચરકા પર  જામીન આપવા હૂકમ કરાયો
એડીસી બેંક માનહાનિ કેસમાં રાહુલ ગાંધીના જામીન મંજૂર થયાં, 15,000 રુપિયાના બોન્ડ ઉપર જામીન મંજૂર થયાં હતાં અને તેમના જામીનદાર અમિત ચાવડા બન્યાં હતાં.
આ કેસમાં સહઆરોપી રણદીપ સૂરજેવાલા અંગે કોર્ટ જજે કહ્યું કે સૂરજેવાલાનું હાલ મારી પાસે નથી, સૂરજેવાલાના કેસ પર પછી વાત થશે. આગામી મુદત 7 સપ્ટેમ્બરે પડી
રાહુલ ગાંધી કોર્ટ રુમથી 4.03 મિનિટે બહાર નીકળ્યાં
રાહુલ ગાંધી કોર્ટમાંથી બહાર આવ્યાં બાદ સીધા જ ગાડીમાં બેસીને રવાના થઈ ગયાં

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ કોર્ટનું સન્માન કર્યું છે