કોંગ્રેસની કફોડી સ્થિતિ છે આ મામલે…નવસર્જન કરવું પડશે

અમદાવાદ– અથથી ઇતિ સુધી પ્રચૂર પ્રચાર, પક્ષ નેતૃત્ત્વની ત્રણત્રણ માસની યાત્રાઓથી ભરપુર કાર્યક્રમ બાદ પણ ગુજરાતની સત્તાથી હાથવેંત દૂર રહી જનાર કોંગ્રેસ હારી ગઇ છે ખરા પણ હામ વધી છે. વિધાનસભામાં તેમનું સંખ્યાબળ વધ્યાંનો અનહદ આનંદ પણ કોંગ્રેસભવન અને કાર્યકરોમાં જોવા મળ્યો છે. ત્યારે વિધાનસભામાં આગલી હરોળનાં સ્થાન કોણ શોભાવશે તે પ્રશ્નનો ઉકેલ આણવા કોંગ્રેસ સાચે જ નવસર્જનનો સહારો લેવો પડશે.

કારણ એ છે કે કોંગ્રેસ નેતૃત્વની આગલી હરોળ ખતમ થઇ ગઇ છે. કોંગ્રેસના અગ્રહરોળના નેતાઓ; શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા અને સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરીને પ્રજાએ ઘેર મોકલી દીધાં છે. ભરતસિંહ સોલંકી ચૂંટણી લડ્યાં નથી. ત્યારે વિધાનસભા વિપક્ષ નેતાનું પદ કોઇ નવા જ યુવા નેતાને સોંપવું કોંગ્રેસ માટે ફરજિયાત બની ગયું છે.આ માટે પક્ષના મારફાડ મિજાજ ધરાવતાં નેતાની છાપ ધરાવતાં પરેશ ધાનણીનું નામ સૌથી પહેલું સામે આવી રહ્યું છે.રાહુલની ગુડબૂકમાં પણ છે તેથી પરેશ ધાનાણી સીએલપી બનાવાય તેનું કોઇને આશ્ચર્ય નહીં થાય. અન્ય બે નામમાં કોંગ્રેસના અનુભવી નેતાઓ કુંવરજી બાવળીયા અને ડૉ,. અનિલ જોશીયારાનું નામ પણ સંભળાઇ રહ્યું છે. કોળી સમાજના કોંગ્રેસી નેતા વિરોધપક્ષના નેતા તરીકે યોગ્ય લાગી શકે છે. તો વિપક્ષી નેતા તરીકે આદિવાસી નેતા ડૉ. અનિલ જોશીયારાની સંભાવના પણ જાણકારો વ્યક્ત કરી રહ્યાં છે. અન્ય કેટલાક નેતાઓને પણ આગળ કરી શકાય તેવી શક્યતાઓ વચ્ચે આ ત્રણ નામ હાલ તો સૌથી આગળ દોડી રહ્યાં છે.ઉત્તર ગુજરાતમાં પોડા થિયરી કામ કરી ગઇ અને યુવા નેતા અલ્પેશ ઠાકોર ઊભરી આવ્યાં છે ત્યારે અલ્પેશને પણ સક્ષમ નેતૃત્વ માટે વિચારણામાં લેવાઇ શકે છે.

કોંગ્રેસનું નવસર્જિત નેતૃત્વ જ આગામી સમયમાં ગુજરાત સરકારના નિર્ણયો અંગે સદનમાં પ્રભાવ પાડવાનું છે જેને લઇને 2019ની લોકસભા ચૂંટણીમાં લોકો સમક્ષ ફરી આવવાનું છે તે મુદ્દો કોંગ્રેસ હાઇકમાન્ડના મનમાં રમતો હોય તે સ્વાભાવિક છે ત્યારે સત્તાને દરવાજે ઊભેલી કોંગ્રેસ સબળ નવા નેતા ઊભાં કરવાનું પસંદ કરશે.