સૂરત ઝોનની 57 શાળાઓની પ્રોવિઝનલ ફી નિયત કરાઇ

સૂરત- અમદાવાદ ઝોનની ઝોનલ કમિટી દ્વારા પ્રોવિઝન ફી નિયત કરાયા બાદ સૂરત ઝોનની ફી નિયમન ઝોનલ કમિટીએ પણ 57 શાળાઓની પ્રોવિઝનલ ફી નિયત કરી છે.

સુરત ઝોનલ કમિટીએ સંબંધિત શાળાઓએ દરખાસ્ત કરેલી ફીની રકમ સામે નિયત કરેલી પ્રોવિઝનલ ફીમાં રૂ. ૬૯૦ થી લઇને મહત્તમ રૂ. ૧,૮૩,૦૦૦ નો પ્રોવિઝનલ ધોરણે ઘટાડો કર્યો છે. સરકારે સપ્ષ્ચતા કરી છે કે આ માત્ર ને માત્ર પ્રોવિઝનલ ફી છે. જાહેર કરાયેલ પ્રોવિઝનલ ફી સામે સંબંધિત શાળાને વાંધો હોય તો ઝોનલ કમિટી સમક્ષ તે એક અઠવાડિયામાં પોતાની રજૂઆત કરી શકશે.

સૂરત જિલ્લાની ૨૫ શાળાઓએ ઝોનલ કમિટી સમક્ષ કરેલી ફીની દરખાસ્ત સામે ફી નિયમન ઝોનલ કમિટીએ નિયત કરેલ પ્રોવિઝનલ ફીની તુલનામાં રૂ. ૨૫૦ થી લઇને રૂ. ૧,૮૩,૦૦૦ સુધીનો પ્રોવિઝનલ ધોરણે ઘરખમ ઘટાડો કરાયો છે.

સૂરત ઝોનની જે જિલ્લાઓની ૫૭ શાળાઓની પ્રોવિઝન ફીની જાહેરાત કરાઇ છે તેમાં નર્મદા, નવસારી, તાપી, વલસાડ, ભરૂચ અને સુરત જિલ્લાની શાળાઓનો સમાવેશ થાય છે. નર્મદા જિલ્લાની ત્રણ શાળાઓએ દરખાસ્ત કરેલ અને જાહેર કરેલ પ્રોવિઝનલ ફીમાં રૂ. ૩,૪૦૦ થી રૂ. ૨૦,૦૦૦ નો ઘટાડો કરાયો છે.

નવસારી જિલ્લાની બે શાળાઓમાં રૂ. ૨,૦૭૫ થી લઇને રૂ.૧૨,૬૦૦ નો ઘટાડો કરાયો છે. તાપી જિલ્લાની ચાર શાળાઓમાં રૂ.૩,૦૦૦ થી લઇને રૂ.૭૧,૬૫૦ નો ઘટાડો કરાયો છે. વલસાડ જિલ્લાની સાત શાળાઓમાં રૂ.૧,૦૦૦ થી લઇને રૂ. ૧૪,૯૬૫ સુધીનો ઘટાડો કરાયો છે. જ્યારે ભરૂચ જિલ્લાની ૧૬ શાળાઓમાં રૂ. ૬૯૦ થી રૂ.૩૨,૩૪૦ સુધીનો ઘટાડો કરાયો છે.