ફિલ્મ “Article 15” થી નારાજી, મલ્ટિપ્લેક્સ એસોસિએશનના પ્રમુખને રજૂઆત…

અમદાવાદઃ 27 મે 2014ના રોજ ઉત્તરપ્રદેશના બદાર્યું જિલ્લાના કટરા સઆદગંજ ગામ ખાતે 2 બાળકીઓના ગેંગરેપનો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટના પર આધારિત Article 15 નામની બોલિવૂડ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મનું ટ્રેલર 27 મે, 2019ના રોજ પ્રકાશિત થયું છે. સમગ્ર ફિલ્મ એક સત્ય ઘટના પર બનાવવામાં આવી છે.

આ ફિલ્મના ટ્રેલરમાં બ્રાહ્મણ સમાજ દ્વારા દલિત યુવતીઓ પર બળાત્કાર જેવા અત્યાચાર ગુજારવામાં આવે છે તેવું દર્શાવવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ ઘટનામાં પીડિતા દલિત નહી પરંતુ મોર્ય જાતિની હતી અને જે લોકો આરોપીઓ સાબિત થયાં તે લોકો બ્રાહ્મણ નહીં પરંતુ યાદવ હતાં.

ત્યારે આ મામલે બ્રહ્મ સમાજ દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. હકીકતમાં આમાં સંવિધાન અનુસાર પીડિત પક્ષ અને આરોપી પક્ષ બંને ઓબીસી સમુદાયના હતા. આ સમગ્ર વાસ્તવિકતાને બદલીને પીડિતને દલિત અને આરોપીઓને બ્રાહ્મણ બતાવીને વર્ષો જુની ભારતીય સંસ્કૃતિનો પાયો એવા સમગ્ર હિંદુ સમાજને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે.

ત્યારે આ મામલે ગુજરાતના સમગ્ર બ્રહ્મઅગ્રણીઓએ આજે મલ્ટીપ્લેક્સ એસોસિએશન ગુજરાતના પ્રમુખને રજૂઆત કરવા માટે જશે.

(તસવીર-પ્રજ્ઞેશ વ્યાસ)