17,081 MOUમાંથી 11,999 પ્રોજેક્ટમાં ઉત્પાદન શરુ, ૩૦૦૦ પ્રોજેક્ટ ડ્રોપ

ગાંધીનગર- વાઇબ્રન્ટ સમિટના કરોડોના ખર્ચ સામે વિપક્ષની બૂમરાણ મચતી રહે છે કે આ તાયફાઓ છે અને તેમાં થતાં એમઓયુ ડીંડવાણું હોય છે. ત્યારે આજે વિધાનસભામાં થયેલાં એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું છે કે 2015માં થયેલાં 17,081 એમઓયુમાંથી 11,999 પ્રોજેક્ટમાં ઉત્પાદન શરુ થઇ ગયું છે.આ સમીટ પાછળ રૂ.૬૧.૫૩ કરોડનો ખર્ચ કરાયો છે.ઊર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું ઘરઆંગણે રોજગારી મળે તે માટે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ આશીર્વાદરૂપ બની રહી છે. વાયબ્રન્ટ સમીટ-૨૦૧૫માં વિવિધ ૩૬ ક્ષેત્રોમાં ૧૭,૦૮૧ એમ.ઓ.યુ. થયા હતાં તે પૈકી ૧૧,૯૯૯ પ્રોજેક્ટો કાર્યાન્વિત થઇ ગયા છે અને ઉત્પાદન પણ શરૂ થઇ ગયું છે.

વાયબ્રન્ટ સમિટ-૨૦૧૫માં જાપાન, કેનેડા, યુ.કે., યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, નેધરલેન્ડ, સાઉથ આફ્રિકા એમ કુલ આઠ કન્ટ્રી પાર્ટનર હતાં. જેમાં ૧૧૦ દેશોના ૨,૫૦૦ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ સમીટમાં ૧૪ કન્ટ્રી સેમિનાર અને ૧૦ થીમ સેમિનારનું પણ આયોજન કરાયું હતું. ૫૫૨ પ્રોજેક્ટ પ્રાથમિક સ્વરૂપે છે.  ૩,૦૦૦ પ્રોજેક્ટ ડ્રોપ થયાં છે.

વાયબ્રન્ટ સમીટ-૨૦૧૫માં અગ્રણી કંપનીઓના સી.ઇ.ઓ. માટે યોજાયેલ સી.ઇ.ઓ. કોન્કલેવમાં ટોચના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહી બીટુબી મીટીંગ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચાવિચારણા કરીને રાજ્ય સરકારે તકો પૂરી પાડી છે.  વાયબ્રન્ટનો મુળ ઉદ્દેશ રાજ્યમાં મૂડી રોકાણ થકી રોજગારી પેદા કરવાનો છે.