સૂરત માટે ખાસઃ તાપી શુદ્ધિકરણના બીજા તબક્કાની ફંડ ફાળવણીને સૈદ્ધાંતિક મંજૂરી

0
1274

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ નેશનલ રિવર કન્ઝરવેશન પ્રોગ્રામ અન્વયે સૂરતની તાપી શુદ્ધિકરણના બીજા તબક્કા માટે રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.તાપી નદી સૂરત શહેર માટે પીવાના પાણીનો એકમાત્ર સ્ત્રોત છે. તાપી નદીમાં જુદાજુદા વિસ્તારની ખાડીઓ/આઉટ લેટસ મારફતે અશુદ્ધિઓ ભળવાના કારણે નદીમાં પાણીની ગુણવત્તાને અસર થાય છે, તેના કાયમી અને લાંબાગાળાના નિરાકરણ માટે મુખ્યપ્રધાનના આદેશ અનુસાર સૂરત મહાનગરપાલિકાએ કન્સલટન્ટ પાસેથી ONGC બ્રિજથી ”સૂડા”ની હદ સુધીનો સૂરત મહાનગરપાલિકા હસ્તકનો વિસ્તાર, સૂરત મહાનગરપાલિકાની હદથી કામરેજ સુધીનો ”સૂડા” હસ્તકનો વિસ્તાર  અને ”સૂડા”ની હદ વિસ્તાર બાદ કાંકરાપાર વિયર સુધીનો રાજય સરકાર હસ્તકનો વિસ્તાર આવરી લઈને સમગ્ર વિસ્તાર માટે સુગ્રથિત આયોજન કરવાના હેતુસર  અંદાજિત રૂા.૯રર.૧૮ કરોડનો તાપી શુદ્ધિકરણ માસ્ટર પ્લાન તૈયાર કરાવ્યો છે.

૯રર.૧૮ કરોડનો તાપી શુદ્ધિકરણ માસ્ટર પ્લાન

આ માસ્ટર પ્લાન હેઠળ કાંકરાપાર વિયરથી સૂરત શહેરના ONGC બ્રિજ સુધીના તાપી નદીમાં પડતાં મહત્વના ર૪ આઉટલેટસને ઈન્ટરસેપ્ટ કરી તેના કલેકશન, ટ્રાન્સમિશન, ડીસ્પોઝલ અને  ટ્રીટમેન્ટનું આયોજન છે. ”સૂડા” વિસ્તારના કુલ ૧પ ફળિયા/ગામડા/નગરોને તથા રાજય સરકાર વિસ્તારના પ૯ જેટલા ફળિયા/ ગામડા /નગરોને આવરી લઈ તેના ગંદા પાણીને નદીમાં ભળતાં રોકવા માટે તેને ઈન્ટરસેપ્ટ કરી, આનુષાંગિક ડ્રેનેજ નેટવર્ક, સૂએઝ પંપિગ સ્ટેશન, ટ્રાન્સમિશન લાઈન સહિત જરુરિયાત મુજબ ટ્રીટમેન્ટ કરી નિકાલ કરવાનું આયોજન છે.

આ સમગ્ર ડી.પી.આર. અન્વયે જરૂરીયાત મુજબ ડાયવર્ઝન ડેમ, ગ્રેવીટી મેઈન, રાઈઝીંગ મેઈન, સૂએઝ પંપિગ સ્ટેશન, સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ડીસ્પોઝલ પાઈપ લાઈન નાંખવાનાં પ્રકલ્પો આવરી લેવામાં આવ્યા છે.

આ મુજબ અંદાજે ર૦ર કિ.મી. ડ્રેનેજ નેટવર્ક, ૩૬ જેટલા સુએઝ પંપીગ સ્ટેશન તથા ૩૧ જેટલા નાના મોટા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટસ તથા તેને સંલગ્ન અન્ય કામગીરીને આવરી લેવામાં આવી છે. જેમા રાજય સરકાર હસ્તકના વિસ્તારમાં પ૯ એમ.એલ.ડી., સુડા વિસ્તારનું ૩૦ર એમ.એલ.ડી. અને સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ર૯૯ એમ.એલ.ડી. એમ ત્રણેય વિસ્તાર મળીને મહત્તમ ૬૬૦ એમ.એલ.ડી. જેટલુ ગંદુ પાણી શુદ્ધ કરવાનું આયોજન છે.

આ પ્રોજેકટનો ડી.પી.આર. રાજય સરકારે મંજૂર કર્યો છે. તે કેન્દ્ર સરકારના નેશનલ રીવર કન્ઝર્વેશન પ્રોગ્રામ હેઠળ ગ્રાન્ટ મેળવવા માટે મોકલ્યો છે. NRCPની અદ્યતન નાણાંકીય સહાય પદ્ધતિ અનુસાર ૬૦:૪૦ (કેન્દ્ર સરકારઃ રાજય સરકાર + સ્થાનિક સ્વાયત સંસ્થા) ના રેશિયો મુજબ નાણાકીય સહાય મળે છે. 

આ પ્રોજેકટ પૂર્ણ થતાં તાપી નદીમાં જુદા જુદા આઉટલેટસ તથા ખાડીઓ મારફતે ભળતું અશુદ્ધ પાણી બંધ થશે અને પાણીનુ પ્રદૂષણ અટકશે તે જળસૃષ્ટિ માટે આર્શીવાદરૂપ રહેશે. નદીના રો વોટરની ગુણવત્તામાં સુધારો થશે. જેથી નાગરિકોને પુરા પાડવામાં આવતા પીવાના પાણીની શુદ્ધિકરણ પ્રક્રિયા સરળ બનશે. એટલું જ નહીં નદીને લાગુ અસરકર્તા ગામો તથા નગરો અને વસાહતોને સુગઠીત ડ્રેનેજ વ્યવસ્થાનો લાભ મળશે.

         આ સમગ્રતઃ કામગીરી સ્થળ સ્થિતિને અનુરૂપ તબકકાવાર હાથ ધરી ચારથી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.