વડાપ્રધાન મોદી અને ઈઝરાયલના પીએમ 17મીએ ગુજરાત મુલાકાતે

અમદાવાદઃ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આ મુલાકાતને ઐતિહાસીક બનાવવા માટે ગુજરાતના વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ માટે સચિવ સ્તરે બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે. બંન્ને મહાનુભાવોનો મુખ્ય કાર્યક્રમ બાવળા, આઈ ક્રીએટ સેંટર ખાતે યોજાશે. આઈ ક્રીએટમાં સ્ટાર્ટ અપ પ્રોગ્રામ અને ઈનોવેશન માટે યુવાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે જેને ધ્યાને રાખીને ગુજરાતના ટોચના ઉદ્યોગપતિઓ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મહાનુભાવો સહિત આશરે 1500 જેટલા લોકોને ઉપસ્થિત રહેવા માટે આમંત્રીત કરાયા છે.

બન્ને મહાનુભાવોનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ આઠ કલાકનો રહેશે, જેમાં અમદાવાદમાં રોડ શો, ગાંધી આશ્રમની મુલાકાત, બાવળા આઈ ક્રીએટ સેન્ટરની મુલાકાત અને સાબરકાંઠાના વડરજ ખાતે કૃષિ વૈજ્ઞાનિકોને મળી સાંજે પરત ફરશે.

17મીએ સવારે 10 કલાકે ભારતના વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, ત્યારબાદ 10.30 કલાકે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ અમદાવાદ એરપોર્ટ પર આવશે. ત્યારબાદ બંન્ને મહાનુભાવો એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી ખુલ્લી જીપમાં રોડ શો કરશે. ત્યારબાદ 11:15 કલાકે ગાંધી આશ્રમ પહોંચશે જ્યાં તેઓ 11:50 વાગ્યા સુધી રોકાશે આ દરમિયાન નેતન્યાહુ ગાંધીજીને પુષ્પાંજલી અર્પીત કરી હ્યદયકુંજની મુલાકાત લેશે. ત્યાબાદ તેઓ હેલીકોપ્ટર મારફતે સીધા જ બાવળા સ્થિત આઈ ક્રીએટ સેન્ટર ખાતે પહોંચશે, જ્યાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને ભોજન ગ્રહણ કરશે.