વડાપ્રધાન મોદી નૈરોબીના કચ્છીઓને વિડીયો કોન્ફરન્સથી સંબોધશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે નૈરોબીમાં વસતા કચ્છી સમુદાયને ભારતીય સમય અનુસાર બપોરે 12.30 વાગ્યે નવી દિલ્હીના પ્રધાનમંત્રી નિવાસથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે.

પૂર્વ આફ્રિકી દેશ કેન્યાના નૈરોબીના કચ્છી લેઉઆ પટેલ સમાજના વેસ્ટ કોમ્પલેક્ષના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશનનો આવતીકાલે વડાપ્રધાનના સંબોધનથી પ્રારંભ થશે. વડાપ્રધાનનું આ સંબોધન ગુજરાતની પ્રાદેશિક ચેનલ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવશે.

વડાપ્રધાનના આ સંબોધનને સાંભળવા માટે નૈરોબીના કચ્છીઓમાં અત્યારથી જ અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. આગામી 2 એપ્રિલ સુધી ચાલનારી આ ઉજવણી દરમિયાન કચ્છી લેઉઆ પટેલ સમાજ દ્વારા મેડિકલ કેમ્પ, સ્પોર્ટ્સ અને કલ્ચરલ કાર્યક્રમો તેમજ ઈન્ટરનેશનલ લીડર્સ ફોરમ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 1993માં નિર્માણ થયેલા આ વેસ્ટ કોમ્પલેક્ષમાં શિક્ષણ, આરોગ્ય અને આવાસ સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે.