રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતને ODF જાહેર કર્યું

પોરબંદરઃ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના અવસરે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે અહીં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આયોજિત સમારોહમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિએ પોરબંદર ખાતે માંગરોળ ફેઝ-3 ફિશિંગ હાર્બરનું ખાતમુહૂર્ત કર્યું હતું તેમ જ 45 ગામોને પીવાનું પાણી પહોંચાડવાની યોજનાનું ઉદઘાટન કર્યું હતું.

ગાંધી જયંતિ નિમિત્તે તેમણે ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિએ કીર્તિ મંદિરમાં ગ્રામીણ ગુજરાતને ખુલ્લામાં શૌચથી મુક્ત રાજ્ય ઘોષિત કરવા માટે આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગ્રામીણ ગુજરાતને ખુલ્લામાં શૌચથી મુક્ત રાજ્ય જાહેર કર્યું હતુ.

રાષ્ટ્રપતિએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતુ કે આ શુભ દિવસ પર મહાત્મા ગાંધીજીના જન્મસ્થળની મુલાકાત લેવી મારા માટે સૌભાગ્યની વાત છે. કોવિંદે જણાવ્યું કે ગ્રામીણ ઓડીએફના લક્ષ્યને પ્રાપ્ત કરતા ગુજરાતે ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. કોવિંદે જણાવ્યું કે સ્વચ્છતા માત્ર સફાઈ કર્મચારીઓની અને સરકારી વિભાગોની જ જવાબદારી નથી પરંતુ આ તમામ લોકોએ સાથે મળીને કરવાનું એક રાષ્ટ્રીય અભિયાન છે. કોવિંદે જણાવ્યું કે 2 ઓક્ટોબર 2019 સુધીમાં સ્વચ્છ ભારત મિશનના લક્ષ્યોને પ્રાપ્ત કરવા તે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ પર તેમને આપવામાં આવેલી સાચી શ્રદ્ધાંજલિ હશે. ગુજરાત દ્વારા આજે આ દિશામાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે.