પ્રવિણ તોગડિયા અમદાવાદ નજીકથી જ અર્ધબેભાન અવસ્થામાં મળી આવ્યા

અમદાવાદ– વિશ્વ હિન્દુ પરિષદ(વીએચપી)ના નેતા પ્રવિણ તોગડિયા 11 કલાક લાપત્તા રહ્યા બાદ સાંજના સમયે અર્ધબેભાન અવસ્થામાં મળી આવ્યા છે. પ્રવિણ તોગડિયા અમદાવાદ નજીકના કોતરપુર વોટર વર્ક્સ પાસેથી મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા શાહીબાગની ચંદ્રમણિ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.વીએચપીના નેતા પ્રવિણ તોગડિયા સવારથી લાપત્તા હોવાની ખબર ટોક ઓફ ધી ટાઉન હતી. એન્કાઉન્ટરથી માંડીને અનેક ચર્ચાઓ હતા. રાજસ્થાન પોલીસ ઘરપકડ કરી ગઈ છે, તેવા પણ સમાચાર હતા. છેલ્લા સમાચાર પ્રમાણે  પ્રવિણ તોગડિયા અમદાવાદ નજીક કોતરપુર વોટર વર્ક્સ પાસેથી મળી આવ્યા છે. 108 દ્વારા તેમને શાહીબાગની ચંદ્રમણિ હોસ્પીટલમાં દાખલ કરાયા છે. લો સુગરને કારણે તોગડિયાનું સ્વાસ્થ્ય બગડ્યુ હોવાનું જાણવા મળ્યું છે, હાલ તેમની તબિયત સ્થિર હોવાના સમાચાર છે. ચંદ્રમણિ હોસ્પિટલના ડોકટર અગ્રવાલના કહેવા પ્રમાણે 108માં પ્રવિણ તોગડીયા હોસ્પીટલ પહોંચ્યા હતા, અત્યારે તબીયત સારી છે.

વીએચપીના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવિણ તોગડિયાની સોલા અને રાજસ્થાન પોલીસ દ્વારા ઘરપકડ કરવામાં આવી છે, તેવો આક્ષેપ વીએચપી દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પત્રકાર પરિષદ યોજીને સમગ્ર બાબતે ફોડ પાડ્યો હતો. વીએચપીના ગુજરાત પ્રદેશ મહામંત્રી રણછોડભાઈ ભરવાડે ક્રાઈમ બ્રાન્ચ પહોંચીને પ્રવિણ તોગડિયા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે પછી તોગડિયાને શોધવા માટે ચાર સ્પેશ્યિલ ટીમ બનાવવામાં આવી હતી. જો કે સાંજે પ્રવિણભાઈ મળી આવ્યાના સમાચાર આવ્યા હતા.