પ્રવીણ તોગડીયાએ ક્રાઈમ બ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટ પર કર્યાં આક્ષેપો

અમદાવાદઃ વીએચપીના નેતા પ્રવીણ તોગડીયાને હોસ્પિટલમાંથી ડોક્ટરે રજા આપી છે. ત્યારે હોસ્પિટલમાંથી બહાર નીકળીને તોગડીયાએ મીડિયા સાથે વાત કરી હતી. પોતાના વાઈરલ થયેલા વીડિયો મુદ્દે પ્રવીણ તોગડીયાએ જણાવ્યું કે ક્રાઈમ બ્રાંચ દ્વારા સિલેક્ટિવ વીડિયો મીડિયાને આપવામાં આવ્યા છે. તો આ સાથે જ ક્રાઈમ બ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટ પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે જે કે ભટ્ટ દિલ્હી પોલિટિકલ બોસના ઈશારે કામ કરે છે. અને સાથે જ તેમણે જણાવ્યું કે હું ક્રાઈમ બ્રાંચ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશ. મારા વિરૂદ્ધ ખોટા વીડિયો વાઈરલ થયા છે. તોગડીયાએ જણાવ્યું કે જે.કે.ભટ્ટે છેલ્લા 15 દિવસમાં કેટલી વાર પીએમ સાથે વાત કરી છે તેની કોલ ડીટેલ્સ જાહેર કરવામાં આવે.

તોગડીયાએ સ્પષ્ટપણે ક્રાઈમબ્રાંચના જેસીપી જે.કે.ભટ્ટ પર આરોપો લગાવ્યા છે. તોગડીયાએ જણાવ્યું કે ક્રાઈમ બ્રાંચ પ્રત્યે મને માન છે. ક્રાઈમબ્રાંચને પોલીટીકલ ષડયંત્રનો ભાગ ન બનાવો. સાથે જ તેમણે જણાવ્યું કે રાત્રે બે વાગ્યે કોઈને ઉઠાડીને સવાલ કરવાનો કાયદો ક્યાં છે. પ્રવિણ તોગડીયાએ જણાવ્યું કે ગુજરાત પોલીસની છબીને ડાઘ લાગે તેવું હું ઈચ્છતો નથી. તોગડીયાએ જણાવ્યું કે હું ક્રાઈમબ્રાંચ વિરૂદ્ધ કાર્યવાહી કરીશ અને સત્યનો વિજય થશે.