હાર્દિક પટેલે કોંગ્રેસનો પંજો પકડ્યો, 12 માર્ચે રાહુલ પહેરાવશે ખેસ

અમદાવાદ: ગુજરાતના પાટીદાર ગ્રુપના અગ્રણી નેતા હાર્દિક પટેલ ઝડપથી કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યાં છે.12 માર્ચે ગુજરાતમાં મળનારી સીડબ્લ્યૂસી દરમિયાન આવનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હાર્દિકને ખેસ પહેરાવી સ્વાગત કરશે. રાજકોટના પડધરીમાં યોજાયેલી પાસની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાના ખબર મળી રહ્યાં છે. હાર્દિક જામનગર અથવા મહેસાણાથી લોકસભાની ચૂંટણી લડે તેવી સંભાવના છે. આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવા માટે લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર છે, પણ તેઓ પાસના કાર્યકરો અને પાસના અગ્રણીઓનો અભિપ્રાય લઈને પોતાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે.

કોંગ્રેસના સૂત્રોમાં ચર્ચા હતી કે ગુજરાતમાં પાટીદારો માટે અનામતની માગ સાથે આંદોલન કરનાર હાર્દિક પટેલ 12 માર્ચે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ થશે, જો કે આ અંગે હજી સુધી કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. જાણવા મળ્યા મુજબ હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડશે, અને તેઓ જામનગર બેઠક અથવા મહેસાણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરાય તેવી સંભાવનાઓની ચર્ચા ચાલી રહી છે.

હાર્દિક પટેલ આજે સવારે રાજકોટની મુલાકાતે હતા, જાણવા મળ્યા મુજબ તેઓ પાસના કન્વીનરોને મળીને તેમનો અભિપ્રાય જાણીને યોગ્ય નિર્ણય લેશે. ત્યાર બાદ તેઓ સત્તાવાર જાહેરાત કરશે. એક વાત એવી પણ જાણવા મળી હતી કે હાર્દિક પટેલ આજે પાસના કન્વીનર સાથે કાલાવડ માતાજીના દર્શન કરવા પણ ગયા હતા. માતાજીના આશીર્વાદ લીધા પછી તેઓ નિર્ણય જાહેર કરશે. પાસના કન્વીનર સાથે વાત થયા મુજબ હાર્દિક પટેલ કાલે શુક્રવારે પત્રકાર પરિષદ બોલાવીને સત્તાવાર જાહેરાત કરશે.