ખાતર ખરીદી માટે POS વ્યવસ્થા મુદ્દે કૃષિપ્રધાનની અપીલ

ગાંધીનગર- પી.ઓ.એસ. મશીનથી ખાતરની વિતરણ વ્યવસ્થા સંદર્ભમાં ખેડૂતવર્ગમાં નારાજગીનો સરકારને સામનો કરવો પડી રહ્યો છે. જેને લઇને કૃષિપ્રધાન આર સી ફળદુએ નિવેદન જારી કરી કેટલીક સ્પષ્ટતાઓ કરી છે.મુખ્ય અંશ

  • રાજ્યના ખાતર વિતરકોને વિનામૂલ્યે પીઓએસ મશીન પૂરા પાડવામાં આવ્યાં છે-મશીન ચલાવવા માટે સઘન તાલીમ અપાઇ છે
  • ખાતર વિક્રેતાઓએ પીઓએસ મશીનમાં ખાતરનો ભૌતિક જથ્થો નાખવાની કામગીરી મહદ્અંશે પૂર્ણ કરી છે-૫૯ હજાર ઉપરાંત ખેડૂતોએ પીઓએસ મશીનથી ર૭૭૦૧ મેટ્રિક ટન ખાતર ખરીદ કર્યુ છે
  • ખાતર ખરીદ કરનાર દરેક ખેડૂતે જાતે ખાતર વિતરણ કેન્દ્ર સુધી જવું બિલકુલ ફરજિયાત નથી- ખેડૂત વતી ખાતર ખરીદ કરનાર વ્યકિતએ ખેડૂતનું અને પોતાનું આધારકાર્ડ સાથે લઇ જવાનું રહેશે
  • રાસાયણિક ખાતર હાલના ભાવથી વિતરણ કરવામાં આવશે

આ સાથે કૃષિપ્રધાને પીઓએસ મામલે આતાં સમાચારોથી ખેડૂતો ગેરમાર્ગે ન દોરવાવા અપીલ કરી છે. પીઓએસથી ખેડૂતોને વધુ સરળતાથી ખાતર મળી શકશે તેવી વાત કરી હતી.

દેશમાં પી.ઓ.એસ મશીનથી ખાતરની વિતરણ વ્યવસ્થા અમલી થઇ ગઇ છે પરંતુ  ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પ્રક્રિયાને કારણે આ વ્યવસ્થા ૧ ફેબ્રુઆરીથી શરુ કરવામાં આવી છે.આ માટે રાજયના ખાતર વિતરકોને વિનામૂલ્યે પી.ઓ.એસ. મશીન પુરા પાડવામાં આવ્યા છે અને તમામ ખાતર વિક્રેતાઓને પી.ઓ.એસ મશીન ચલાવવા અંગે સઘન તાલીમ પણ આપવામાં આવી છે. 25 જાન્યુઆરીથી પીઓએસ મશીનમાં ખાતરનો ભૌતિક જથ્થો નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી તે 31 જાન્યુઆરી 18 સુધીમાં મોટાભાગે પૂર્ણ કરવામાં આવી છે.

ખેડૂતોએ પીઓએસ મશીન દ્વારા ૨૭,૭૦૧ મેટ્રીક ટન ખાતરની ખરીદી કરી છે..ખેડૂત વતી પણ ખાતર ખરીદી થઇ શકે છે.ખેડૂત વતી ખાતર ખરીદી કરવા જનાર વ્યક્તિ કે ગામડેથી ખાતર વિતરણ કેન્દ્ર પર જનાર ટેમ્પો કે ટ્રેકટરના ડ્રાઇવર કે અન્ય ટ્રાન્સપોર્ટર પોતાનું તેમ જ જે ખેડૂત માટે ખાતર ખરીદી કરવાની છે તે ખેડૂતનું આધારકાર્ડ સાથે લઇ જવાનું હોય છે એટલે દરેક ખેડૂતે જાતે જ ખાતર વિતરણ કેન્દ્ર સુધી જવું બિલકુલ ફરજિયાત નથી. નવીન ખાતર વિતરણ પદ્ધતિમાં રાસાયણિક ખાતર હાલના ભાવોથી જ વિતરણ કરવામાં આવશે.