રાજકોટઃ મતાધિકારનો ઉપયોગ ન કરીએ તો લોકશાહી દિવ્યાંગ બની જાય…

રાજકોટઃ લોકસભાની ચૂંટણીમાં આજે રાજકોટ બેઠક પર દિવ્યાંગો અને પ્રજ્ઞાચક્ષુઓએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. શારીરિક ખોડ છતાં આ મતદારો પોતાના મથકોએ પહોંચ્યા હતા અને મત આપ્યો હતો. ચૂંટણી પંચે આ મતદારો માટે વિશેષ વ્યવસ્થા કરી હતી. રાજકોટના ઢેબરભાઈ રોડ પર આવેલા અંધ મહિલા વિકાસ મંડળ સંસ્થાના 34 બહેનોએ મતદાન કર્યું હતું. સામાજિક કાર્યકર અરુણ દવેએ આ વ્યવસ્થા તંત્ર વતી સંભાળી હતી. બહેનોને લઈ-જવા, આવવા અન્ય વિદ્યાર્થીનીઓએ સહાય કરી હતી.

રાજકોટ 70 વિધાનસભા બેઠકમાં 15 અને 71 વિધાનસભામાં 10 બુથ આ મતદાર માટે રાખવામાં આવ્યા હતા. કુલ 136 દિવ્યાંગ મતદારને તંત્રએ મતદાન માટે સહાય પુરી પાડી હતી. એ ઉપરાંત જે પોતાની રીતે પહોંચ્યા હોય એ તો અલગ. અંધ બહેનોએ મતદાન મથકોની બહાર કહ્યું હતું કે લોકશાહીનું આ પર્વ છે. મત આપવો આપણી ફરજ છે. અમે પણ દેશના નાગરિક જ છીએ. અમે કેમ આ અધિકારથી વંચિત રહીએ?

મતદાન કરવા ગયેલા કંચનબહેન ઉનડકટ અને દક્ષા બહેન કુકડીયાએ ચિત્રલેખા. કોમને જણાવ્યું કે દેશના ભાવિ માટે,લોકશાહીની રક્ષા માટે મતદાન અનિવાર્ય છે. મતાધિકારનો ઉપયોગ ન કરીએ તો લોકશાહી દિવ્યાંગ બની જાય.

(અહેવાલઃ જ્વલંત છાયા)

(તસવીરઃ નીશુ કાચા)